કેશોદના સોંદરડા ગામે ગૌશાળાના ગોડાઉનમાં ભીષણ આગ

ગોડાઉનમાં રહેલો ધાસચારાનો મોટો જથ્થો આગમાં ભસ્મીભૂત

જૂનાગઢ : કેશોદના સોંદરડા ગામે ગૌશાળાના ગોડાઉનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જ્યારે ગોડાઉનમાં રહેલો ધાસચારાનો મોટો જથ્થો આગમાં ભસ્મીભૂત થઈ ગયો હોવાનું જાણવા મળે છે.

કેશોદના સોંદરડા ગામે આવેલ પુરૂષોતમ લાલજી ગૌશાળાના ગોડાઉનમાં આજે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને ગૌશાળાના ગોડાઉનમાં ઘાસનો જથ્થો હોવાથી આગને ફેલાતા વાર લાગી ન હતી. ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગની ઘટના જાણ થતાં ૨ ફાયર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગૌમાતાને બાજુમાં ખુલ્લા પ્લોટમાં સુરક્ષિત ખસેડાઇ છે. જો કે, ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ બુઝાવવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે ગોડાઉનમાં રહેલ ધાસચારો આગમાં ભસ્મીભૂત થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ ઘટતા સ્થળે ફાયરની ટીમની સાથે લોકોના ટોળા આગ બુઝાવવા કામે લાગી ગયાં છે.