જુના ઝઘડાનો ખાર રાખી કાકા-ભત્રીજા ઉપર હીંચકારો હુમલો

માળીયા હાટીના ભંડુરી ગામે મારામારીના બનાવમાં પાંચ પાડોશીઓ સામે એટ્રોસીટી હેઠળ ગુન્હો દાખલ

જુનાગઢ : માળીયા હાટીના ભંડુરી ગામે જુના ઝઘડાનો ખાર રાખી કાકા-ભત્રીજા ઉપર પાડોશીઓએ હીંચકારો હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે કાકાની ફરિયાદ પરથી પોલીસે પાંચ પાડોશીઓ સામે એટ્રોસીટી હેઠળ ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

માળીયા હાટીના પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રામજીભાઇ પુંજાભાઇ મકવાણા (ઉ.વ.૫૮ રહે.ભંડુરી તા.માળીયા હાટીના)એ આરોપીઓ અલારખાભાઇ, રોશનબેન, આસીફ, મીન્ટુ, રૂસમાનાબેન (રહે.બધા ભંડુરી) તથા અજાણ્યા આઠથી દશ માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના ભાઇ જગાભાઇને અગાઉ આરોપી રોશનબેન સાથે ઝઘડો થયેલ જે મનદુઃખના કારણે આરોપીઓએ લોંખડના કાતા તથા તલવાર તથા લાકડીઓ જેવા જીવલેણ હથિયારો ધારણ કરી ફરીયાદીના ભત્રીજા અશ્વીનના ફળીયામાં પ્રવેશ કરી ફરીયાદી તથા ફરીયાદીના ભત્રીજા અશ્વીન તથા ભત્રીજી અસ્મીતાબેનને ગાંળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અશ્વીનના માથામાં લોખંડનો કાતો મારી તથા ફરીયાદી તથા સાહેદોને લાકડીઓ વતી માર મારી જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરી સાહેદ અશ્વીનના મો.સા.ને નુકશાન કર્યું હતું.