માતાના ખાતામા જમા થયેલા મકાનની સહાયના ભાગ મામલે બે ભાઈઓ વચ્ચે ઝઘડો

ભેસાણના પરબવાવડી ગામે મોટાભાઈએ નાનાભાઈને કુહાડીનો ઘા ઝીંક્યો

જૂનાગઢ : ભેસાણના પરબવાવડી ગામે માતાના ખાતામા જમા થયેલા મકાનની સહાયના ભાગ મામલે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયા બાદ મોટાભાઈએ નાનાભાઈને કુહાડીનો ઘા ઝીંક્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી મોટાભાઈને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દીનેશકુમાર ઉકાભાઈ સાસીયા (ઉ.વ ૩૨ રહે. પરબવાવડી દેવપરાની બાજુમાં તા ભેસાણ)એ આરોપી ભરતભાઇ ઉકાભાઇ સાસીયા (રહે.પરબ વાવડી તા.ભેસાણ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીની માતાના ખાતામા મકાનની સહાયના રૂપિયા આવેલ હોય અને આરોપી ફરીયાદીનો મોટોભાઇ થાય છે અને મકાનની સહાયમાંથી પીસતાલીસ હજાર રૂપિયા ફરિયાદી પાસેથી માંગતા ફરિયાદીએ તે રૂપિયા તેની માતાના હોવાનુ જણાવી રૂપિયા આપવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી રૂપિયા નહી આપે તો બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને કુહાડીનો એક ધા ડાબી બાજુ પડખામા મારી ઇજા પહોચાડી હતી.