જૂનાગઢ જિલ્લામાં વ્હાલી દિકરી યોજના હેઠળ એક વર્ષમાં ૩૨૧૨ દિકરીઓને લાભ અપાયો

પહેલા ધોરણમાં રૂા.૪૦૦૦, નવમાં ધોરણમાં રૂા.૬૦૦૦ અને ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ થયેથી રૂા.૧ લાખની સહાય મળવાપાત્ર

દિકરીઓના જન્મનું પ્રમાણ વધારવા અને શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની સરકારશ્રીની મહત્વની યોજના

જૂનાગઢ : દિકરીઓના જન્મનું પ્રમાણ વધારવા, દિકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ દિકરીઓ/સ્ત્રીઓનુ સમાજમાં સર્વાગી સશક્તિકરણ કરવા તથા બાળ લગ્ન અટકાવવા રાજ્ય સરકાર કટ્ટીબધ્ધ છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વ્હાલી દિકરી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં એક વર્ષમાં ૩૨૧૨ દિકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. આ યોજનામાં પહેલા ધોરણમાં રૂા.૪૦૦૦, નવમાં ધોરણમાં રૂા.૬૦૦૦ અને ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ થયેથી ઉચ્ચ શિક્ષણ/લગ્ન માટે રૂા.૧ લાખની સહાય આપવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા દિકરીઓના જન્મનું પ્રમાણ વધારવા અને દિકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે તા.૨ ઓગસ્ટ ૨૦૧૯થી વ્હાલી દિકરી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં પહેલા ધોરણમાં પ્રવેશ સમયે દિકરીને રૂા.૪૦૦૦ની સહાય અપાય છે તથા નવમાં ધોરણમાં પ્રવેશમાં રૂા.૬૦૦૦ની સહાય અપાય છે. જ્યારે દિકરીને ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ થયેથી ઉચ્ચ શિક્ષણ/લગ્ન માટે રૂા.૧ લાખની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લામાં મહિલા અને બાળ વિભાગની કચેરી દ્વારા સારી એવી કામગીરી થઇ રહી છે.

મહિલા અને બાળ અધિકારી જીગર જસાણીએ જણાવ્યું હતું કે, તા.૨/૮/૨૦૧૯ પછી જન્મનાર દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. જૂનાગઢ જિલ્લામાં એપ્રિલ-૨૦૨૧ થી માર્ચ-૨૦૨૨ સુધીમાં ૩૨૧૨ દિકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ લેવા માટે નજીકની આંગણવાડી, મામલતદાર ઓફિસ તથા મહિલા અને બાળ વિભાગની કચેરીનો સંપર્ક કરવા જણાવી આ યોજનાનો વધુમાં વધુ દિકરીઓના માતા-પિતા લાભ લેવા અનુરોધ કર્યો છે.