કેશોદના પીપળી ગામે ઘોડાછાપ ડોકટર ઝડપાયો

મેડિકલની ડીગ્રી ન હોવા છતાં દવાખાનું ચલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું ખુલ્યું

જૂનાગઢ : જૂનાગઢ એસઓજીની ટીમે બાતમીના આધારે કેશોદના પીપળી ગામે ઘોડાછાપ ડોકટરને ઝડપી લીધો હતો. પોલીસની તપાસમાં આ બોગસ તબીબ પાસે મેડિકલની ડીગ્રી ન હોવા છતાં દવાખાનું ચલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું ખુલ્યું છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. એમ.વી.કુવાડીયા સહિતના સ્ટાફે ગઈકાલે કેશોદના પીપળી ગામે આવેલા એક ક્લિનિકમાં છાપો માર્યો હતો. જેમાં આરોપી ઉકાભાઇ હરીશંકરભાઇ વ્યાસ (ઉ.વ.૭૬ રહે. પીપળી ગામ પ્લોટ વિસ્તાર તા.કેશોદ) કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપી પ્રેક્ટીસ કરી દવા આપી દવાખાનું ચલાવતાં હોવાનું ખુલતા પોલીસે તેને કુલ કિ.રૂ .૧૧૨૦૮ના મુદ્દામાલ સાથે ઝડપી તેની સામે મેડીકલ પ્રેક્ટીસ એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.