વેપારીના ગળા ઉપર છરી રાખી લૂંટ ચલાવવાનો પ્રયાસ

જૂનાગઢના તળાવ દરવાજા પાસેની ઓફિસે બનેલા બનાવમાં ચાર વિરુદ્ધ ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના તળાવ દરવાજા પાસેની ઓફિસમાં ઘૂસીને ચાર શખ્સોએ વેપારીના ગળા ઉપર છરી રાખી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. બળજબરીથી પૈસા કઢાવવા માટે ચાર શખ્સોએ છરી બતાવતા વેપારીએ પૈસા આપવાની ના પાડતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તુષાર પ્રવીણભાઈ સોજીત્રા (ઉ.વ.૪૪ રહે. બ્લો્ક નં. ૫ શ્રીનાથજી ક્રુપા ગોકુલ નગર સોસાયટી પોલીસ પરેડ ગ્રાઉંડ પાછળ જુનાગઢ)એ આરોપીઓ ગાંઘી જેન્તીભાઇ સોંલકી, સુનીલ પ્રવીણભાઇ સોંલકી, વીરાટ ડાભી, ગૌતમ પાતર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી અને ફરીયાદીના દીકરા હર્ષ તથા ફરીયાદી મીત્ર હીતેસભાઈ જોશીની ઓફીસે જૂનાગઢ તળાવ દરવાજા પાસે સીટી પોઇન્ટ કોમ્પલેક્ષ, ગ્રાઉન્ડ ફલોરમાં બેસેલ હતા તે દરમ્યાન આરોપીઓ ગાંઘી જેન્તિભાઇ સોંલકી, સુનીલ પ્રવીણભાઇ સોંલકી, વીરાટ ડાભી તેમજ ગૌતમ પાતર આ ચારેય ઇસમોએ ફરીયાદીને છરી બતાવી ગળામાં રાખી પૈસા બાબતે બળજબરી કરી વધારે રુપીયાની માગણી કરી અને રૂપીયા નહી આપવા બાબતે બોલાચાલી કરી અને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.