ખેતરના સેઢે મુકેલો પથ્થર હટાવવાની ના પડતા વૃદ્ધાને પાવડાનો હાથો માર્યો

માંગરોળના બીઘલા સીમ વિસ્તારમાં થયેલી મારામારીમાં એક સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : માંગરોળના બીઘલા સીમ વિસ્તારમાં ખેતરના સેઢે મુકેલો પથ્થર હટાવવાની ના પડતા વૃદ્ધાને એક શખ્સે પાવડાનો હાથો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વૃદ્ધાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

માંગરોળ મરીન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સાજણબેન મેણશીભાઇ રામ (ઉ.વ.૬૫ રહે રહીજ બીઘલા સીમ વિસ્તાર તા.માંગરોળ)એ આરોપી અમીતભાઇ કારાભાઇ રામ (રહે રહીજ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના ખેતરના સેઢે મુકેલ પથ્થર આરોપી હટાવતો હોય ફરીયાદીએ ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઈ બોલાચાલી કરવા લાગેલ અને ફરીયાદીને માથાના ભાગે હાથમા પાવડાનો હાથો મારી ઇજા કરી હવે આડી આવીશ તો જીવતી નહી છોડુ તેવી ધમકી આપી હતી.