તમારા દીકરાનું કુરિયર આવ્યું હોવાનું કહી સમડીએ વૃદ્ધાના ગળામાંથી સોનાની માળા ઝૂંટવી લીધી

જૂનાગઢના લાલાબાગ પાછળના વિસ્તારમાં ગઠિયાએ ઝોટ મારતા વૃદ્ધાનું કપાળ દીવાલ સાથે ભટકાયુ

જૂનાગઢ : જૂનાગઢના લાલાબાગ પાછળના વિસ્તારમાં ગઠિયાએ ઘરની અંદર રહેલા વૃદ્ધાને તમારા દીકરાનું કુરિયર આવ્યું હોવાનું કહેતા વૃદ્ધા ઘરની બહાર આવતા ગઠિયાએ વૃદ્ધા ગળામાંથી સોનાની માળા આંચકી લીધી હતી. જો કે ગઠિયાએ ઝોટ મારતા વૃદ્ધાનું કપાળ દીવાલ સાથે ભટકાયુ હોવાથી તેમને ઇજા પહોંચી હતી.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મધુબેન કાન્તીભાઇ વેકરીયા (ઉ.વ. ૬૦ રહે. ૨૯,ગીતાનગર સોસાયટી, લાલાબાગ પાછળ શ્રીજીકૃપા નવી કલેકટર ઓફીસ રોડ જુનાગઢ)એ અજાણ્યો પુરૂષ ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, અજાણ્યા પુરૂષ ઇસમ આશરે ૩૫ થી ૪૦ વર્ષની ઉમરનો થોડો લાંબો એવો અને સાધારણ શરીરનો જેમણે શરીરે લાલા કલર જેવો શર્ટ પેહરેલ તેમણે ફરીયાદીને તેમના દિકરા ઘનશ્યામભાઇ વેકરીયાનું કુરીયર આવેલ છે તેમ કહી ફરીયાદી ઘરની બહાર આવતા આરોપીએ ડેલીની બહારથી લોખંડની ગ્રીલમાંથી હાથ નાખી ફરીયાદીએ ગળામાં પેહરેલ સોનાની તુલસીના પારા વાળી માલા આશરે એક તોલાની કિ.રૂ. ૩૦,૦૦૦ની ગળામાંથી ખેંચી ઝુંટ મારેલ જેના લીધે ફરીયાદીનું દીવાલ સાથે કપાળ ભટકાતા ઇજા કરી સોનાની માળા લઇને ફરાર થઈ ગયો હતો. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.