ફાર્મ હાઉસમા દારૂ પીધેલી હાલતમા નશાખોરે ગરમ કૉસ વડે મારવા જતા આધેડ દાઝ્યા

માળીયા હાટીનાના જલંધર ગામથી આગળ દેવળીયા નાકા નજીક રાધે ફાર્મ હાઉસમાં બનેલી ઘટનામાં નશાખોરે સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : માળીયા હાટીનાના જલંધર ગામથી આગળ દેવળીયા નાકા નજીક રાધે ફાર્મ હાઉસમાં ગઈકાલે દારૂ પીધેલી હાલતમા નશાખોરે ધમાલ મચાવી ગરમ કૉસ વડે મારવા જતા કૉસ અડકી જવાથી આધેડ દાઝ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે નશાખોરે સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

માળીયા હાટીના પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સુધીરભાઇ થોભણભાઇ ઝાલા (ઉ.વ.૫૦ રહે. હાલ ઝલંધર રાધે ફાર્મ હાઉસ મુળ રહે. અકાળા ગીર ગામમા તા. માળીયા હાટીના)એ આરોપી કમલેશભાઇ પાલાભાઇ ગીડા (રહે.જલંધર તા.માળીયા હાટીના) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદીના રાધે ફાર્મ હાઉસમા દારૂ પીધેલ હાલતમા બકવાસ કરતો હોય જેથી ફરિયાદીએ ત્યાંથી જતા રહેવા કહેતા આરોપી ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને ગાળો આપી લોખંડની ગરમ કોસ વડે ફરિયાદીને મારવા જતા ફરિયાદીએ ગરમ કોસ પકડી લેતા જમણા હાથની આંગળીમા તથા બન્ને પગના સાથળોમા અડતા દાઝી ગયેલ હતા.