રેસિપી સ્પેશ્યલ : હોમમેઈડ ઠંડાઈ પીવો ને હીટવેવમાં ઠંડા-ઠંડા કુલ-કુલ ફીલ કરો..

ઉનાળાના દિવસોમાં ઘરે આ રીતે ઠંડાઇ બનાવીને પીવાથી ગરમીમાં રાહત મળે છે. બળબળતા તાપમાં ઠંડાઇ ઠંડા-ઠંડા કુલ-કુલ ફીલ કરાવે છે. આ ઠંડાઇ ઘરમાં બધાને બહુ ભાવશે. મહાદેવ શિવને પ્રિય ઠંડાઇ તેમને ભોગ ચડાવી શકાય છે. તો જાણી લો કેવી રીતે બનાવશો ઠંડાઇ.

ઠંડાઇ બનાવવાની સામગ્રી

1. 1.5 લીટર મલાઈ વાળુ દૂધ
2. 1.5 વાટકી ખાંડ
3. બદામ
4. કાજુ
5. પિસ્તા
6. મગજતરીના બી
7. 3 મોટી ચમચી ખસખસ
8. 1 ચમચી વરિયાળી
9. કેસરના તાંતણા
10. એલચી
11. તજનો ટુકડો
12. મરીના ટુકડા
13. ગુલાબની પાંદડી


ઠંડાઇ બનાવવાની રીત

– ઠંડાઇ બનાવવા માટે સૌ પ્રથમ ફૂલ ફેટ મલાઈવાળુ દૂધ લો.

– આ દૂધને મિડીયમ ગેસ પર ગરમ કરો.

– દૂધ ઉકળવા આવે ત્યારે એમાં કેસર અને ખાંડ નાંખી દો.

– ત્યારપછી 4-5 મિનિટ સુધી દૂધ ઉકાળો.

– આ બધી પ્રોસેસ થઇ જાય એટલે બદામ, કાજુ, પિસ્તા, મગજતરીના બી, વરિયાળી અને ખસખસને એક સાથે પીસી લો.

– હવે પેસ્ટ બનાવવા માટે થોડુ દૂધ પણ તમે ઉમેરી શકો છો.

– પછી એલચી, ગુલાબની પાંખડી, તજ અને મરીને પીસી લો અને બારીક પાઉડર બનાવી લો.

– ઉપર જણાવેલ મુજબ બધી જ પ્રોસેસ થઇ જાય પછી દૂધ કેટલુ ઉકળ્યુ છે એ ચેક કરી લો. જો દૂધ બરાબર ઉકળ્યુ ના હોય તો હજુ થોડી વાર સુધી ઉકાળો.

– હવે એમાં સૂકામેવાની પેસ્ટને દૂધમાં મિક્સ કરી દો અને પાંચ મિનિટ સુધી ધીમા ગેસ પર ઉકળવા દો.

– હવે ઉપર જણાવ્યા મુજબ બનાવેલો મસાલો આમાં એડ કરી દો.


તો તૈયાર છે ‘ઠંડાઇ’

આ ઠંડાઇમાં તમે ગુલાબની પાંખડી નાંખીને સર્વ કરો છો તો દેખાવમાં મસ્ત લાગશે. આ ઠંડાઇમાં તમે બરફ પણ નાંખી શકો છો. બરફ નાંખીને ઠંડાઇ પીશો તો પીવાની બહુ જ મજા આવશે.