સાસણના ધ ગીર પલ્સ રીસોર્ટમાં ધમાલ નૃત્ય જોવા મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી

રાજકોટનો પરિવાર અને તાલાલાનો પરિવાર બાખડી પડી મારામારી કર્યા બાદ સામસામી ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : મેંદરડાના હરીપુર ગામે આવેલ ધ ગીર પલ્સ રીસોર્ટમાં આયોજિત ધમાલ નૃત્ય જોવા મામલે પરિવારો વચ્ચે રીતસરની ધમાલ થઈ હતી. જેમાં રાજકોટનો પરિવાર અને તાલાલાનો પરિવાર બાખડી પડી મારામારી કરતા વાતાવરણ તંગ થઈ ગયું હતું. બન્ને પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગયા બાદ સામસામી ફરિયાદ નોંધાઈ છે. જ્યારે એકપક્ષે મહિલાની છેડતીની પણ ફરિયાદ દાખલ થઈ છે.

મેંદરડા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જયેશભાઇ કરશનભાઇ દુધાત (ઉ.વ.૪૫ રહે.રાજકોટ રાધા કૃષ્ણ સોસાયટી શેરી નં.-૧ બોલબાલ માર્ગ મેઇન રોડ ઢેબર રોડ લાલ બહાદુર સોસાયટીની પાછળ રાજકોટ)એ આરોપીઓ ગીરીશભાઇ સોની (રહે.તાલાળા), દિપેશ ગીરીશભાઇ સોની (રહે.તાલાળા), મોહીત ગીરીશભાઇ સોની (રહે.તાલાળા), સુભાષ બાવાજી, દિનેશ બાવાજી, જમન પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ સાસણના ધ ગીર પલ્સ રીસોર્ટમાં રોકાયેલ લોકો પાસેથી ફાળો લઇ ધમાલ નૃત્યનુ આયોજન કરેલ હોય જે નૃત્ય જોવા આરોપીઓ તેમના પરીવાર સાથે આવતા ફરીયાદીએ તેઓને નૃત્ય જોવુ હોય તો નૃત્યની ફી ના ભાગે પડતા રૂપીયા આપવાનુ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ અમારે રૂપીયા નથી આપવા તેમ કહી ફરીયાદી તથા સાહેદોને ગાળો બોલી બોલાચાલી ઝઘડો કરેલ ત્યારે રીસોર્ટના માલીક લાલાભાઇએ વચ્ચે પડી સમાધાન કરાવેલ હોય અને આરોપીઓ તેમના પરીવાર સાથે જતા રહેલ બાદ ઉપરોક્ત ઝઘડાનુ મનદુખ રાખી અન્ય આરોપીઓને બોલાવી છરી તથા લાકડી જેવા હથીયાર ધારણ કરી ધ ગીર પલ્સ રીસોર્ટમાં તમામ આરોપીઓ સાથે આવી ફરીયાદી તથા સાહેદોને છરી તથા લાકડી વડે શરીરે આડેધડ માર મારી ફરીયાદી તથા સાહેદોને શરીરે તથા માથાના ભાગે છરીનો એક ધા મારી ગંભીર ઇજા કરી હતી.

સામેપક્ષે ગીરીશભાઇ રૂગનાથભાઇ પાલા (ઉ.વ.૫૭ રહે.તાલાળા જગદીશ પાર્ક લેઉવા પટેલ સમાજ વાળો રોડ સાર્વજનીક પ્લોટની બાજુમાં તા.તાલાળા જી.ગીર સોમનાથ)એ આરોપીઓમાં ચાર અજાણ્યા પુરૂષ
તથા ત્રણ અજાણી મહીલાઓ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી ધ ગીર પલ્સ રીસોર્ટમાં જમવા ગયેલ તે વખતે આરોપીઓ રીસોર્ટમાં રોકાયેલ હોય અને આરોપીઓએ રીસોર્ટમાં ધમાલ નૃત્ય વાળાઓને બોલાવવાનુ આયોજન કરેલ હોય જેથી એક આરોપીએ ફરીયાદીને કહેલ કે, તમારે ધમાલ નૃત્ય જોવુ હોય તો નૃત્ય કરનારની ફી ના છસો રૂપીયા આપવા પડશે જે વખતે ફરીયાદીએ નૃત્ય જોવાની ના પાડેલ હોય અને ફી ના પૈસા આપેલ ન હોય અને ફરીયાદી તથા સાહેદો જમી લીધા બાદ ધમાલ નૃત્ય જોવા બેસી જતા આ કામના આરોપીઓ પૈકી એક આરોપીએ ફરીયાદી તથા સાહેદોને ધમાલ નૃત્ય જોવાની ના પાડી રીસોર્ટમાંથી જતા રહેવાનુ કહી ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ફરીયાદીને ગાળો બોલી ફરીયાદી તથા તેના બંન્ને દીકરાઓને લાકડી તથા પાણીના સ્ટીલના જગ વડે માર મારી શરીરે નાની મોટી મુંઢ ઇજાઓ કરી તેમજ ફરીયાદી તથા તેના મોટા દીકરા મોહીતને લાકડી વડે ફેક્ચર જેવી ઇજા કરી ફરીયાદીના દીકરાની પત્નીને જાહેરમાં પકડી લઇ વાળ ખેંચી ધકો મારી છેડતી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.