ભેજાબાજે પોલીસ કર્મી અને પત્નીના ગુગલ એકાઉન્ટના પાસવર્ડ ચોરી કરી ફોન બ્લોક કરી દીધો

ચોરવાડના ધોરીવાવ તળાવ પાસે સીમ વિસ્તારમાં બનેલા બનાવમાં ભેજાબાજ સામે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુન્હો દાખલ

જૂનાગઢ : માળીયા હાટીનાના ચોરવાડના ધોરીવાવ તળાવ પાસે સીમ વિસ્તારમાં રહેતા એસઆરપીના પોલીસ કોન્સ્ટેબલ અને તેમની પત્નીના ગુગલ એકાઉન્ટના પાસવર્ડ ચોરી કરી ફોન બ્લોક કરી દીધો હોવાની ઘટના સામે આવી છે. આ ભેજાબાજે બન્ને પતિ-પત્નીના ફોનમાં રહેલા ગુગલ એકાઉન્ટના પાસવર્ડ યેનકેન પ્રકારે ચોરી કર્યા બાદ અગત્યના ફોટા અને માહિતીઓ ડિલીટ કરીને ફોનને બ્લોક કરી દીધો હોવાની આરોપીના નામજોગ ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સુરેશભાઇ નારણભાઇ ચુડાસમા (ઉ.વ.૩૮ ધંધો નોકરી એસ.આર.પી. પોલીસ કોન્સ રહે.ચોરવાડ ધોરીવાવ તળાવની બાજુમાં તા.માળીયા હાટીના)એ આરોપી જીજ્ઞેશભાઇ રામજીભાઇ ચુડાસમા (રહે.ચોરવાડ ધોરીવાવ તળાવની બાજુમાં તા.માળીયા હાટીના) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ પોતાનાં મોબાઇલ ફોન દ્વારા ફરીયાદીનાં તથા તેની પત્નીના મોબાઇલ ફોનનાં ગુગલ જી-મેઇલ આઇ.ડી. કે જે પર્સનલ એકાઉન્ટ હોય છે તેમાંથી કોઇપણ રીતે દગાબાજીથી કે અપ્રમાણીકતાથી ફરીયાદીની જાણ બહાર પાસવર્ડની ચોરી કરી જરૂરી ડોક્યુમેન્ટ, ફોટાઓ તથા રેકોર્ડીંગ વિગેરે ઇલેક્ટ્રોનીક રેકર્ડની પર્સનલ માહીતી ડીલેટ કરી બંને ફોન બ્લોક કરી દઇ ફરીયાદીને માનસીક ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે આરોપી સામે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.