યુવતીને ભગાડી જવાની બબાલનું સામાધાન કરવા મામલે બે પરિવારો વચ્ચે જામી પડી

જૂનાગઢના ડુંગરપુર ગામે રોયલ્ટી નાકા પાસે થયેલી મારામારીમાં સામસામી ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ડુંગરપુર ગામે રોયલ્ટી નાકા પાસે યુવતીને ભગાડી જવાની બબાલનું સામાધાન કરવા મામલે બે પરિવારો વચ્ચે જામી પડી હતી. બન્ને પરિવારો એકબીજા ઉપર તૂટી પડી હુમલો કર્યા બાદ હુમલાની સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર લીલુબેન રમેશભાઇ ચારોલીયા (રહે ધરાનગર લીરબાઇપરા જામચોકની બાજુમાં જુનાગઢ)એ આરોપીઓ દિનેશ રમેશ, અજય રમેશ, સંજય રમેશ (રહે.ત્રણેય ડુંગરપુરગામ રોયલ્ટી જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીની નણંદને ભગાડી ગયેલ હોય જે બાબતે ખડીયા ગામે સમાધાન માટે ગયેલ હોય ત્યાં સમાધાન ન થતા ફરીયાદી તથા સાહેદો પોતાની છકડો રીક્ષા લઇને ડુંગરપુર રોયલ્ટીના નાકા પાસે પહોચતા આરોપીઓ સંજય તથા અજયે પાસે પોતાના હાથમાં પાઇપ લઇ તથા દીનેશે હાથમાં પાણો લઇને અવરોધ ઉભો કરી રીક્ષા રોકાવી અજય તથા સંજયે પોતાની પાસે રહેલ પાઇપથી આડેધડ મારવા લાગતા ફરીયાદી તથા સાહેદો રીક્ષામાંથી નીચે ઉતરતા દિનેશએ પોતાના હાથમાં રહેલ પથ્થર ફરીયાદીને છુટો ઘા મારતા ઉપલા હોઠમાં ઇજા થતાં મોઢામાંથી બે દાંત પડી ગયેલ અને આરોપી સંજય પાસેથી દિનેશે પાઇપ લઇ લીલાબેનને શરીરે પાઇપ મારી ઇજાઓ પહોચાડી હતી.

સામાપક્ષે ફરિયાદી દિનેશભાઇ રમેશભાઇ માથાસુરીયા (રહે.ડુંગરપુરગામ રોયલ્ટીપાસે તા.જી-જુનાગઢ)એ આરોપીઓ ભીમા લાલુ, માલદે ભીમા, રમેશ ભીમા, ઠગા ગોવિંદ (રહે.બધા લીરબાઇપરા ધરાનગર જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા સાહેદોના ખડીયા ગામે બૈરાઓ રીસામણે હોય તે બાબતે સમાધાનની વાતચીત ચાલતી હોય અને સમાધાન ન થતા બધા ત્યાંથી છુટા પડેલ અને ત્યાંરબાદ ડુંગરપુર ગામે રોયલ્ટી પાસે ફરીયાદી તથા સાહેદો ઉભા હોય ત્યાંરે આરોપીઓ ભીમા લાલુ, માલદે ભીમા તથા રમેશ ભીમા અને ઠગા ગોવિંદએ ફરીયાદી તથા સાહેદ સંજય તથા અજયને ઢીકાપાટુનો આડેધડ માર મારી અને માલદે ભીમાએ પાણો લઇને ફરીયાદીને છુટો ઘા મારી માથાના પાછળના ભાગે લોહી નીકળવા લાગેલ તેવી ઇજા કરી હતી.