જૂનાગઢની જૂની સિવિલ હોસ્પિટલનો નવોનકોર માલસામાન ભંગારમાં ફેરવાયો

હોસ્પિટલની જમીન કોર્ટને સોંપાતા બેડ, ટેબલ, ચેરની હરાજી કરાશે : સિવિલ સર્જન

જૂનાગઢ : જૂનાગઢની જૂની સિવિલ હોસ્પિટલનું સ્થળાંતર થયું, તેને ત્રણ વર્ષ ઉપરનો સમય વીતી ગયો અને હોસ્પિટલની જમીન કોર્ટને સોંપવાનો સમય આવતા હોસ્પિટલ તંત્ર જાગ્યું અને હોસ્પિટલનો માલસામાન ભંગાર બની જતાં, અંતે સ્થળાંતર કરવાની તજવીજ શરૂ કરી છે. જેમાં ૧૦૦થી વધુ બેડ ભંગારની સ્થિતિમાં જોવા મળ્યા છે.

2018ની સાલમાં જુનાગઢમાં આઝાદ ચોક સ્થિત જૂની સિવિલ હોસ્પિટલનું સ્થળાંતર કરીને મજેવડી દરવાજા પાસે કરોડોના ખર્ચે બનાવેલા હોસ્પિટલમાં ફેરવવામાં આવી હતી, પરંતુ અહીંથી આ સિવિલ હોસ્પિટલને સ્થળાંતર કરાતા અહીંનો જે માલસામાન હતો, તે એમનેએમ રાખી દેવામાં આવ્યો હતો. જૂની સિવિલ હોસ્પિટલમાંથી અનેકવાર માલસામાનની ચોરીના પણ કિસ્સા બન્યા હતા. અવારનવાર સિવિલ સર્જન સહિતના અધિકારીઓને જાણ કરવા છતાં અહીંથી સરકારી માલ સામાન હટાવવામાં ન આવ્યો હતો. અંતે કોર્ટને આ જમીન ફાળવવામાં આવી અને કોર્ટને સોંપવાનો સમય આવ્યો છે ત્યારે હવે જૂનાગઢની જૂની સિવિલ હોસ્પિટલમાંથી નવા નકોર જેવા સોથી વધુ બેડ, ટેબલ, ચેર સહિતની ચીજવસ્તુઓ નીકળી છે પરંતુ હવે તે ભંગારની સ્થિતિમાં ફેરવાય ગઈ છે.

કોરોના કાળ દરમિયાન જૂનાગઢના પૂર્વ નગરસેવક અમૃત દેસાઈ એ જૂની સિવિલ હોસ્પિટલમાં રહેલ બેડનો કોરોનાના દર્દીઓ માટે ઉપયોગ લેવાની રજૂઆત કરી હતી પરંતુ હજારો દર્દીઓના બેડ ન મળતા મોત થયા હતા પરંતુ એમનેએમ રહેલા બેડ આજે ભંગારની સ્થિતિમાં ફેરવાઈ ગયા છે. પૂર્વ નગરસેવક અને ભાજપ અગ્રણી અમૃત દેસાઈએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલના જે-તે અધિકારીની આ ઘોર બેદરકારીના લીધે સરકારી માલ સામાન ભંગાર અવસ્થામાં મળી આવ્યું છે. જ્યારે જરૂર હતી તે સમયે સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ આ બાબતે ધ્યાન નહિ આપી અને હવે બેડ સહિતની વસ્તુ ભંગારમાં જવાની શક્યતાઓ છે, સરકારી માલસામાનની બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરાઇ છે.

આ બાબતે સિવિલ સર્જન ડોક્ટર પાલા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે હોસ્પિટલની જમીન કોર્ટને સોંપી દેતા હોસ્પિટલની ચીજવસ્તુઓ ત્યાંથી લઈ લેવાની સૂચના થતાં આ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં 100 કરતા વધુ બેડ છે. તેને યુઝ કરવામાં આવશે અને અન્ય ભંગારની અવસ્થામાં રહેલ વસ્તુઓને ટેન્ડર પ્રક્રિયા કરીને હરાજી કરવામાં આવશે. જ્યારે હોસ્પિટલનું સ્થળાંતર કર્યું ત્યારે કિંમતી વસ્તુઓ ત્યાંથી લઈ લેવામાં આવી હતી પરંતુ જે તે સમયના સિવિલ સર્જનની ઢીલાશના કારણે અનેક વસ્તુઓ હોસ્પિટલમાં પડી રહી હોવાનું હાલના સિવિલ સર્જન ડોક્ટર પલાએ જણાવ્યું હતું.