જૂનાગઢ જિલ્લામાં ૭૦ હજાર હેક્ટરમાં ફળ, શાકભાજી અને મરીમસાલા સહિતના બાગાયત પાકોનું વાવતેર

જૂનાગઢ જિલ્લામાં ૬૩૪૧ બાગાયત ખેડૂતોને રૂા.૧૧૨૭ લાખની સહાય ચૂકવાય

ફળ-શાકભાજીના છુટક વેચાણકર્તા ફેરીયાઓને રૂા.૩૫.૪૯ લાખની સહાય ચૂકવાય

બાગાયત ખેડૂતોને સબસીડી આપવામાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ સ્થાને

પ્લાસ્ટીક મલ્ચીંગ, મીની ટ્રેક્ટર, પાવર ટીલર, નેટ હાઉસ, પ્રોસેસીંગના સાધનો સહિતના ઘટકોમાં ખેડૂતોને નાણાકીય સહાય મળે છે

જૂનાગઢ : વર્ષ ૨૦૨૧-૨૨માં જૂનાગઢ જિલ્લામાં બાગાયતકાર ખેડૂતોને ખેતરે પેક હાઉસ ઉભા કરવા, શોર્ટીંગ ગ્રેડીંગના સાધનો વસાવવા, ફળ તથા શાકભાજી પાકોના નવા વાવેતર, પ્લાસ્ટીક મલ્ચીંગ, મીની ટ્રેકટર, પાવર ટીલર, ડ્રીપ ઇરીગેશન સહિતની સવલતો માટે ૬૩૪૧ લાભાર્થીને કુલ રૂા.૧૧૨૭.૪૯ લાખની સહાય ચૂકવવામાં આવી છે. બાગાયત ખેડૂતોને સબસીડી આપવામાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ સ્થાને અને લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં જૂનાગઢ જિલ્લો રાજ્યમાં ત્રીજુ સ્થાને ધરાવે છે.
ઉપરાંત પાણીના ટાંકો બનાવવા, નેટ હાઉસ, કોલ્ડ સ્ટોરેજ, પેકીંગ મટીરીયલ્સ, પ્રોસેસીંગના સાધનો, નિકાસ માટે હવાઇ નૂરમા સહાય વગેરે જેવા ઘટકોમાં ખેડૂતોને નાણાકિય સહાય આપવામાં આવી છે. તેમજ ૫૦૦ જેટલા ખેડૂતોને બાગાયત પાકોની વૈજ્ઞાનીક ખેતી પધ્ધતી અંગે તાલીમ પણ આપવામાં આવે છે. ઉપરાંત ફળ-શાકભાજીના છુટક વેચાણકર્તા ફેરીયાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે રૂા.૩૫.૪૯ લાખની સહાય ચૂકવાય હતી.

જૂનાગઢ જિલ્લો એટલે બાગાયત પાકોનાં ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે તેમ જણાવી નાયબ બાગાયત નિયામક હિમાંશુ ઉસદડીયાએ કહયુ કે, જિલ્લામાં ફળ, શાકભાજી અને મરીમસાલાનું સારૂ એવું ઉત્પાદન થતા ખેડૂતોની આવકમાં વધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૨૧-૨૨માં જૂનાગઢ જિલ્લામાં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર અંદાજે ૭૦૦૦૦ હેકટર જેટલો હતો.. જેમાં ફળપાકો ૧૫,૫૦૦ હેકટર, શાકભાજી ૧૮,૦૦૦ હેકટર તથા મરી મસાલાના પાકોનું ૩૫,૫૦૦ હેકટરમાં વાવેતર થયુ હતુ.

જૂનાગઢ જિલ્લામાં બાગાયત પાકો અંગે કુલ ૧૧૨૯.૪૯ લાખની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં બાગાયત વિકાસ કાર્યક્રમમાં સામાન્ય જાતીના ખેડૂતો માટે રૂા.૩૮૪.૧૫ લાખ, અનુસૂચિત જાતિના ખેડૂતો માટે રૂા.૨૨.૪૮ લાખ, ગુજરાત હોર્ટીકલ્ચર મિશનમાં સામાન્ય જાતીના ખેડૂતો માટે રૂ.૬૭૭.૯૪ લાખ, અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ૨૯.૨૩ લાખ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં ૭.૧૧ લાખ, નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચરમાં ૧.૨૮ લાખ અને કેનિંગ યોજનામાં ૫.૩૦ લાખની સહાય ચૂકવવામાં આવી હોવાનું નાયબ બાગાયત નિયામક દ્રવારા વધુમાં જણાવાયુ હતુ.