પવિત્ર જગ્યા પાસે દારૂ પીવાની ના પાડતા વૃદ્ધ ઉપર હીંચકારો હુમલો

ભેસાણના રાણપુર ગામે ચાર શખ્સોએ નશામાં ધૂત બનીને માર માર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : ભેસાણના રાણપુર ગામે પવિત્ર જગ્યા પાસે દારૂ પીવાની ના પાડતા વૃદ્ધ ઉપર હીંચકારો હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવમાં ચાર શખ્સોએ નશામાં ધૂત બનીને વૃદ્ધને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. આથી પોલીસે આરોપોઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કેશુભાઈ દેવજીભાઈ પાનસુરીયા (ઉ.વ ૮૧, રહે લાલ મઢી સાર્વજનીક વાડીની પાછળ રાણપુર તા ભેસાણ)એ આરોપીઓ કુંદન દીલીપભાઈ, ઘંટી, રોહિત સાદીયા (રહે. બધા રાણપુર તા.ભેસાણ) તથા એક અજાણ્યો ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી રાણપુર ગામે લાલજી મઢીની જગ્યાએ આવેલ રૂમમાં જમતા હોય અને આરોપીઓ આ લાલજી મઢીની જગ્યાની બહાર દારૂ પીતા હોય, ત્યારે ફરીયાદીએ આરોપીઓને અહી દારૂ પીવાની ના પાડતા આરોપીઓએ ફરિયાદીને મન-ફાવે તેમ ગાળો આપી ત્યાં પડેલ લાકડી તથા ગેડી વડે ફરીયાદીને વારાફરતી શરીરે આડેધડ માર-મારી તથા લાકડી વડે ફરીયાદીના માથાના ભાગે ઘા મારી જાનથી મારી-નાખવાની ધમકી આપી હતી.