જૂનાગઢ મનપાના કર્મચારીના માતાને છરી બતાવી લૂંટી લેવાયા

મહિલાને માર મારી બે શખ્સોએ રૂ.૫.૨૬ લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા, એસપી, ડીવાયએસપી સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી

જૂનાગઢ : જૂનાગઢ મનપાના કર્મચારીના માતાને છરી બતાવી લૂંટી લેવાયા હોવાનો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે સમી સાંજે ઘરે એકલા રહેલા મહિલાના ઘરમાં બે લૂંટારુઓએ ત્રાટકીને છરી બતાવી માર મારીને રૂ.૫.૨૬ લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં એસપી, ડીવાયએસપી સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢ મનપાના કર્મચારીના માતા અને જૂનાગઢ આંબાવાડી, તુલસી પાનની બાજુમાં, બાલસનગર, જોષીપરા ખાતે રહેતા જયાબેન પ્રકાશભાઇ બાલસ (ઉ.વ.૫૫)ના પોતાના ઘરમાં ગઈકાલે સમી સાંજે એકલા હતા. ત્યારે બે અજાણ્યા ઈસમો લૂંટ કરવાના ઇરાદે તેમના ઘરમાં ત્રાટકયા હતા અને બન્ને લૂંટારુઓએ મહિલાના રહેણાંક મકાનમાં પ્રવેશ કરી તેમનું મોઢું દબાવી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા શરીરે જાપટ તથા ઢીકાથી માર મારી મહિલાએ કાનમાં પહેરેલ સોનાની બુંટી તથા કબાટમાંથી રોકડ રકમ રૂપિયા ૨,૦૦,૦૦૦ (બે લાખ) તથા સોનાના બે ચેઈન તથા સોનાના બે હાર તથા સોનાની વીંટી મળી કુલ રૂ.૫,૨૬,૦૦૦ ના મત્તાની લુંટી ચલાવી ફરાર થઇ ગયા હતા.આ બનાવને પગલે એસપી, ડીવાયએસપી તેમજ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ બનાવની ફરિયાદ પરથી પોલીસે જુદી જુદી ટિમો બનાવી લૂંટારુઓને ઝડપી લેવા દોડધામ આદરી છે.