અમારા માટે તો દરેક દિવસ મધર્સ ડે ! જૂનાગઢમાં નિધન બાદ પ્રતિમા રૂપે માતાનો સાક્ષાત્કાર કરતા સંતાનો

વડીલોને વૃદ્ધાશ્રમમાં તરછોડતા સંતાનોને સોનેરી સલાહ, માતા પિતાને કેમ છો પૂછશો તો પણ અનહદ ખુશી મળશે!

જૂનાગઢ : માં વિના સુનો સંસાર… માં તે માં બીજા બધા વગડાના વા.. જનની જોડ સખી નહિ જડે રે લોલ… આમ વાત્સલમૂર્તિ અને પ્રેમાળ માતા વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. ઈશ્વરની બીજું સ્વરૂપ ગણાતી માં આ જગતમાંથી વિદાય લે ત્યારે સંતાનો માટે મા વગર જિંદગી જીવવી અઘરી હોય છે. ત્યારે જૂનાગઢમાં રહેતી એક શિક્ષિત યુવતીએ માતાના અવસાન બાદ એમની વસમી વિદાયનો આઘાત જીરવી ન શકતા પોતાની માતાને પ્રતિમા રૂપે સાક્ષાત્કાર કર્યો છે અને પ્રતિમા રૂપી માતાનું દરરોજ પૂજન કરી કાળજી પૂર્વક જતન કરે છે.

જૂનાગઢમાં રહેતા શીતલબેન જોશી કહે છે કે મારા મમ્મીએ પોતાના સંતાનોના ઉછેરમાં જીવન સમર્પિત કરી દીધું હતું. જીવનમાં અમને ક્યાંય પણ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખતા તેમજ જો કોઈ મુશ્કેલી આવે તો જીવનના મોરચે કેવી રીતે લડીને સફળ થવું તે માટે આ વાત્સલ્યમૃતી માં પ્રેરણામૂર્તિ બની જતી. એવું કહેવાય કે, મા વગર આ જગત સુનું છે. ત્યારે આવા પ્રેમાળ માતાનું ગત વર્ષે અવસાન થયું ત્યારે અમારા માટે એ ક્ષણ કપરી હતી. મમ્મી આ દુનિયામાં રહી જ નથી એ માનવા મારુ મન તૈયાર જ ન હતું. અમારા પરિવાર માટે કપરી ક્ષણ હતી. અમે બધા સંતાનોએ વિચારી લીધું હતું કે, વાહલસોયી મા વગર અમારી જિંદગી અધૂરી છે. એટલે માં ઘરમાં ફરી વસે એ માટે અમે તેમની ખાસ પ્રતિમા તૈયાર કરાવી હતી. પણ પ્રતિમા બનીને અમારા ઘરમાં આવી ત્યાં સુધીના સમયગાળો ખૂબ જ કપરો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, મમ્મીની પ્રતિમા તૈયાર થઈને ઘરમાં આવી ત્યારે અમારા પરિવારમાં ખુશીની કોઈ સીમા રહી ન હતી. કારણ કે એ પ્રતિમાથી મમ્મી અમારી સાથે અગાઉની ઘરમાં રહેતી હોવાનો અહેસાસ થાય છે. આમ મમ્મી ફરી ઘરમાં આવતા અગાઉની જેમમાં અમાંરું ઘર સ્વર્ગ બની ગયું છે. અગાઉ અમે બધા પરિવારના સભ્યો રહેતા હતા તેજ રીતે હવે હસી ખુશીથી રહીએ છીએ, આ માતાની સુંદર પ્રતિમા થકી અમને હવે માતાની કમી મહેસુસ થતી નથી. બલ્કે એમ ફિલ થાય છે કે મમ્મી અમારો સાથે જ રહે છે. તેઓએ દરરોજ માતાનું પૂજન કરે છે. માતાના વાળ ઓળવા તેમજ સાજ સજાવટ સહિતની દેખભાળ કરે છે. માતા સાથે સમય વિતાવી એમની સાથે વાતો કરી ચા-પાણી નાસ્તો તેમજ ભોજન પ પહેલા માતાને ઘરીને પછી જ અમે જમીએ છીએ.

શીતલબેન જોશી અંતમાં જણાવે છે કે, અમારા માટે તો કાયમ મધર્સ ડે છે. હાલમાં ઘણા યુવાનો માતાની અવગણના કરીને વૃદ્ધાશ્રમમાં ધકેલી દે એ બાબતથી ઘણો આઘાત લાગે છે. જેને આપણું સર્જન કરવામાં આખી જાત ખર્ચી નાખી તેને આપણે કેમ છો એવા બે શબ્દો બોલવાને બદલે વારેઘડીએ અપમાનજનક કટુ વચનો બોલીએ ત્યારે માં નું હદય હચમચી જાય છે. જો સુખી રહેવું હોય તો માં બાપનો આદર કરો.