માંગરોળમાં જૂની અદાવતમાં બે પરિવારો બાખડયા, સામસામી ફરિયાદ

બન્ને પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

જૂનાગઢ : માંગરોળમાં જૂની અદાવતમાં બે પરિવારો બાખડયા હતા અને બન્ને પરિવારો એકબીજા ઉપર તૂટી પડતા મારામારી થઈ હતી. આ બનાવ અંગે બન્ને પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માંગરોળ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અબ્દુલ્લાહ મન્સુર શેખ (ઉ.વ. ૪૨ રહે.માંગરોળ નગીનાવાડી કાનુગા ફળીયા પાસે તા.માંગરોળ જી.જુનાગઢ)એ આરોપીઓ મીઝાન ઇકબાલ શેખ, રીઝવાના ઇકબાલ શેખ, સાહીલ ઇકબાલ શેખ, ઇકબાલ શેખ (રહે,માંગરોળ નગીના વાડી)ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીને માંથાના ભાગે તથા સાહેદને છાતીના ભાગે લોખંડનો પાઇપ મારી ફરિયાદીને માંથાના ભાગે ટાંકા આવે તેવી ઇજા કરી ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

સામાપક્ષે ફરિયાદી સાદીકભાઇ અબ્દુલભાઇ સોરઠીયા (ઉ.વ. ૩૮ માંગરોળ જી.જુનાગઢ)એ આરોપીઓ અસ્લમ ફિરોઝ શેખ, અકરમ ફિરોઝ શેખ, જલુ હમીદ, કામરાન બાપુ બેટરીવાળો, સાહીદ ઇકબાલ શેખ (રહે. તમામ માંગરોળ)ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના કાકાને ઝગડો થયેલ છે તેવુ જાણવા મળતા ફરીયાદી તેના કાકાના ઘરે જતાં હતા તે વખતે આરોપીઓએ પ્રાણધાતક હથીયાર છરી વડે ફરીયાદી ઉપર હુમલો કરી ફરીયાદીને ગાળો આપી ફરીયાદીને વાંસાના ભાગે તથા ડાબા પગના સાથડના ભાગે છરી વડે ટાંકા આવે તેવી ઇજાઓ કરી સાહેદને મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.