સુરતની ઘટનાના વિરોધમાં “આપ” દ્વારા ભાજપ વિરુદ્ધ સુત્રોચાર

જૂનાગઢ : સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના નગરસેવકોએ પ્રજાહિતમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા માંગતા ભાજપના શાસકોએ સામાન્યસભા પૂર્ણ કરી લેતા આ મામલે સામાન્યસભામાં જ ઘરણા કરતા પોલીસનો ઉપયોગ કરી મહિલા સભ્યના કપડાં ફાડવામાં આવતા આ મામલે આજે “આપ” દ્વારા રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે જે અન્વયે આજે જૂનાગઢમાં આમઆદમી પાર્ટી દ્વારા ઝાંસીની રાણી સર્કલ પાસે ભાજપ સરકાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

સુરત મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીના નગરસેવકોના પ્રશ્નો સાંભળવામાં ન આવતા તમામ કોર્પોરેટરો વિરોધ કરી સભાખંડમાં રાતભર ધરણા કરતા સવારના સમયે ભાજપના સત્તાધીશોના ઈશારે આમ આદમી પાર્ટીના સદસ્યો ઉપર બળ પ્રયોગ કરી પોલીસે સભ્યોને સભાખંડમાંથી બહાર કાઢતા કેટલાક નગરસેવકોને ઇજાઓ પહોંચી હતી સાથે જ મહિલા નગરસેવકોના કપડાં ફાડી નાખવામાં આવતા આ ઘટનાના ઘેર પ્રત્યાઘાત પડયા છે.

વધુમાં ગઈકાલે સુરતમાં બનેલી આ ઘટનાના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી જૂનાગઢના હોદેદારો અને કાર્યકરએ ઝાંસીની રાણી સર્કલ પાસે ભાજપ સરકાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.