જૂનાગઢના કેરાળામાં સામું કેમ જોવે છે કહી યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયો

ચાર ઈસમો વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ અન્વયે ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે ગામના પાદરમાં સોડા પીવા ગયેલા યુવાનને સામે કેમ જુએ છે કહી ચાર શખ્સોએ લોખંડના પાઇપથી માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા તાલુકા પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ થયો છે.

બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગત તા.30ના રોજ કેરાળા ગામે રહેતા કીરીટભાઇ પ્રવીણભાઇ પરમાર ઉ.20 ગામના પાદરમાં આવેલી દુકાને સોડા પીવા ગયા હતા ત્યારે આરોપી વિજયભાઇ બાવકુભાઇ વાંક, મયુરભાઇ ગટુભાઇ વાંક, વિક્રમભાઇ દળુભાઇ વાંક અને ટીલો બાવાજી રહે. તમામ કેરાળા વાળાઓએ અમારી સામે કેમ જોવે છે કહી કોલર પકડી જ્ઞાતી પ્રત્યે હડધુત કરી ભુંડી ગાળો કાઢી લોખંડના પાઇપથી તેમજ ચપ્પુથી શરીરે છરકા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા કીરીટભાઇએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસે કીરીટભાઇ પ્રવીણભાઇ પરમારની ફરિયાદને આધારે આરોપી વિજયભાઇ બાવકુભાઇ વાંક, મયુરભાઇ ગટુભાઇ વાંક, વિક્રમભાઇ દળુભાઇ વાંક અને ટીલો બાવાજી વિરુદ્ધ ૩૨૩, ૩૨૪, ૪૨૭, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪, એટ્રોસીટી એક્ટ ક ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-એ), જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.