જૂનાગઢના ધનસુખભાઈને સસ્તાભાવે જમીન અપાવી દેવાનું કહી પાંચ ગઠિયાઓએ રૂ. 57 લાખનું કરી નાખ્યું

જમીન ઉંચાભાવે વેચાવી દેવાના બહાને જોષીપરા જોગી પાર્કના પ્લોટના સાટાખત કરાવી છતરપિંડી

જૂનાગઢ : લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે ઉક્તિ મુજબ જૂનાગઢના ખેડૂતની ભીયાડ ગામે આવેલી જમીન ઉંચાભાવે વેચાવી આપી બદલામાં અન્ય જમીન ખરીદ કરાવવાની ખાતરી આપી ખેડૂતના જૂનાગઢ જોષીપરામાં આવેલા પ્લોટના સાટાખત કરાવી લઈ રૂપિયા 57 લાખ રૂપિયા મેળવી લઈ પાંચ ગઠિયાઓ કળા કરી જતા આ મામલે જૂનાગઢ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જૂનાગઢ સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ જોષીપરામાં હરદ્વાર સોસાયટીમાં રહેતા ધનસુખભાઇ કુરજીભાઇ ઉ.વ.૬૨ તથા સાહેદ રમેશભાઈની ભીયાડ ગામે આવેલી ખેતીની જમીન ઉંચાભાવે વેચવી દેવાની લાલચ આપી આરોપી દિવ્યેશ ભીમસીભાઇ બારડ રહે. માધવપૂર (ગીર) તા. તાલાળા હાલ રહે. જૂનાગઢ જોષીપરા, આદિત્ય શાકમાર્કેટ બાજૂમાં, રામભાઇ ભગવાનભાઇ કરમટા રહે ગીર સોમનાથ, કાળુભાઇ ભગવાનભાઇ કરમટા રહે ગીર સોમનાથ, લખમણભાઇ ભગવાનભાઇ કરમટા રહે ગીર સોમનાથ અને દિલાવર નનુભાઇ ચૌહાણ રહે અમરેલી મહુવા વાળાએ બદલામાં ગુંદરણ ગામની જમીન આપવાની લાલચ આપી રૂપિયા 57 લાખ પડાવી લીધા હતા.

વધુમાં પાંચેય આરોપીઓએ મળી ફરિયાદી ધનસુખભાઇ કુરજીભાઇની માલિકીના જોષીપરા, જોગીપર્કમાં આવેલ પ્લોટના સાટાખત પણ કરાવી લઈ ઉપપરોક્ત જમીનના અન્ય લોકોને પણ સાટાખત કરાવી આપ્યા હોવાનું જાણ થતા પોતે છેતરાયા હોવાનું જનતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પાંચેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય ગઠિયાઓ વિરુદ્ધ આઇપીસી કલમ . ૪૦૯, ૪૨૦, ૧૨૦(બી), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.