રમઝાન ઈદ શાંતિપૂર્વક ઉજવવા જૂનાગઢ પોલીસ ખડેપગે : સઘન કાર્યવાહી હાથ ધરાઈ

ફ્લેગમાર્ચ, વાહન ચેકીંગ, બુટલેગરો તેમજ માથાભારે ઈસમોને ચેક કરવા સહિતની કામગીરી

જૂનાગઢ : રમઝાન ઈદ શાંતિપૂર્વક ઉજવવા જૂનાગઢ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ, વાહન ચેકીંગ, બુટલેગરો તેમજ માથાભારે ઈસમોને ચેક કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં આવનાર રમઝાન ઇદનો તહેવાર શાંતિપૂર્વક માહોલમાં યોજાય તે માટે વાહન ચેકીંગ, હથિયારધારાના કેસો, પ્રોહિબીશન બૂટલેગરોને ચેક કરી, પ્રોહીબિશનના કેસો, અટકાયતી પગલાઓ, માથાભારે અગાઉ પકડાયેલા રીઢા ગુંહેગારોને ચેક કરવા, વિગેરે સંબંધી કામગીરી કરવા ખાસ ઝુંબેશ રાખી, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારો તથા પોલીસ ઓફિસરને સૂચનાઓ કરવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લામાં રમઝાન ઈદનો તહેવાર શાંતિપૂર્ણ પસાર થાય તે માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગુન્હેગારોને ચેક કરવાના નવતર પ્રયોગ આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.એસ.પટેલ, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. જે.જે.ગઢવી તથા તાલુકા પોલીસ સ્ટેશનમાં પો.સ.ઇ. પી.વી. ધોકડિયા દ્વારા જૂનાગઢ શહેર વિસ્તારમાં દાતાર રોડ, ગિરનાર દરવાજા, ગોધાવાવની પાટી, દીવાન ચોક, સુખનાથ ચોક, મજેવડી દરવાજા, ખમધ્રોલ રોડ, જોશિપુરા, હર્ષદનગર, ઝાંઝરડા રોડ, ઝાંસીની રાણીના પૂતળા, મોતીબાગ, ગાંધીગ્રામ, આંબેડકરનગર, પંચેશ્વર ખાડિયા, વિગેરે વિસ્તારમાં વિશાળ પોલીસ કાફલા, સુપર કોપ બાઈક, મોબાઈલ, સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ હતું.

તહેવારો અનુસંધાને જૂનાગઢ પોલીસ દ્વારા ભૂતકાળમાં ગુનાઓમાં પકડાયેલા 45 જેટલા માથાભારે ઇસમોના અટકાયતી પગલાઓ લઈ, જામીન લેવડાવવા તજવીજ કરવામાં આવી હતી. ઉપરાંત, પ્રિહીબિશનના બુટલેગરોને ચેક કરી, દારૂના કેસો પણ કરવામાં આવેલ હતા તેમજ વાહન ચેકીંગ રાખી, વાહનો ચેક કરવામાં આવેલ હતા. તહેવારો અનુસંધાને બંદોબસ્ત માટે જૂનાગઢ જિલ્લામાં ત્રણ કંપની હથિયારધારી એસઆરપી જવાનો પણ તૈનાત કરવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્લેગમાર્ચ, વાહન ચેકીંગ, ગેરકાયદેસર દારૂના ધંધા કરતા બુટલેગરોને ચેક કરવા તેમજ માથાભારે ઈસમોને ચેક કરવા અંગેની કાર્યવાહી રમઝાન ઈદની તહેવાર દરમિયાન સતત અને ત્યારબાદ પણ સમયાંતરે ચાલુ રાખવામાં આવશે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.