સરકારી પરીક્ષામાં અન્યાય અંગે માલધારી સમાજના યુવાનોની ઇચ્છામૃત્યુની માંગ

જૂનાગઢમાં કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું

જૂનાગઢ : રબારી, ભરવાડ, ચારણ, માલધારી સમાજના 100 જેટલા યુવક-યુવતીઓએ કલેકટર કચેરી જુનાગઢ ખાતે ઇચ્છામૃત્યુની માંગણી સાથે આવેદનપત્ર આપેલ હતું.

ગઈકાલે તારીખ 29/04/2022ના રોજ 11.30 વાગ્યે કલેકટર કચેરી ખાતે ગીરબરડા અને આલેચના રબારી, ભરવાડ અને ચારણ, માલધારી સમાજના અંદાજે 100 જેટલા યુવકો-યુવતીઓ દ્વારા રાજ્ય સરકારની વિવિધ ભરતીઓ જેવી કે એલ.આર.ડી., જી.એસ.આર.ટી.સી., પી.જી.વી.સી.એલ., જી.પી.એસ.સી. અને અન્ય પરીક્ષાઓમાં પાસ થયેલ અને મેરીટમાં આવેલ હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી જાતિ પ્રમાણપત્રની ચકાસણીના બહાને ઑર્ડર આપેલ ન હોવાથી અને સરકારની અન્યાયી નીતિનો છેલ્લા ત્રણ વર્ષથી ભોગ બનેલા હોય. આ બાબતે આજે જિલ્લા કલેકટર પાસે ઇચ્છામૃત્યુની માંગ સાથે આવેદનપત્ર આપેલ હતું.

ઉલ્લેખનીય છે કે 1956ના જાહેરનામા મુજબ ગીરબરડા અને આલેચના જંગલના નેસના રબારી, ભરવાડ અને ચારણ સમાજનો અનુસૂચિત જનજાતિમાં સમાવેશ થયેલ છે. છેલ્લા વર્ષોથી અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રની ચકાસણીના બહાને ઓર્ડર આપવામાં આવી રહ્યા નથી. આવા અન્યાય બાબતે અગાઉ પણ રબારી, માલધારી સમાજના બે વ્યક્તિઓએ સરકારી અન્યાય સહન ન થતા આત્મહત્યા કરી લીધેલ હતી અને હવે આ બધા ઉમેદવારો આજ રોજ રાજ્યપાલ, મુખ્યમંત્રીને ઉદેશીને જિલ્લા કલેકટર જૂનાગઢને આવેદનપત્ર આપેલ અને ઇચ્છામૃત્યુની પરવાનગી માંગેલ અને આ તકે પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાની હાજરીમાં આવેદનપત્ર આપેલ હતું અને સરકારની અન્યાયી નીતિના કારણે પોતાના પર વિતેલ આપવીતી જણાવેલ હતી.