જૂનાગઢને ધમરોળતી બાઈક ચોર બેલડી ઝડપાઇ

બે દિવસથી બાઈક ચોરીની ફરિયાદનો ઢગલો થયા બાદ બી ડિવિઝન પોલીસે બન્નેને દબોચી લીધા, હજુ એક ફરાર

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં બાઈક ચોરીના બનાવ વધતા છેલ્લા બે દિવસથી બાઈક ચોરીની ફરિયાદોનો ઢગલો થયો હતો. જો કે ગઈકાલે વધુ પાંચ બાઇકની ચોરીની ફરિયાદ નોંધાયા બાદ આજે બી ડિવિઝન પોલીસે સતાવાર રીતે બાઈક ચોર બેલડીને ઝડપી લીધી હોવાનું જાહેર કર્યું હતું. આ બાઈક ચોર ટોળકીએ સાત જેટલા બાઇકની ચોરી કર્યાની કબૂલાત આપતા સાતેય બાઈક કબ્જે કર્યા છે. જો કે હજુ એક આરોપી પોલીસની પકડથી દૂર રહ્યો છે.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી તથા જૂનાગઢ નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજા દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા વાહન ચોરીઓના વણ-શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃત્તિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અન્વયે જૂનાગઢ બી ડીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.એસ પટેલ તથા પો.સ.ઇ. આર.એચ.બાટવા તથા ગુન્હા શોધક યુનીટના માણસો સતત પ્રયત્નશીલ હતા.

પોલીસે મિલ્કત સબંધી ગુન્હાઓ બનેલ હોય. તે જગ્યાની વીજીટ લઇ બનાવ સ્થળની આસ પાસના સી.સી.ટી.વી ફુટેજ મેળવી આવા ગુન્હાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હોય. અને જુનાગઢ બી ડીવી પો.સ્ટે માં વાહન ચોરીમાં ગયેલ મુદ્દામાલની શોધ-ખોળ તપાસમાં હતા. તે દરમ્યાન પો.કોન્સ નીતિનભાઇ નામદેવભાઇ હીરાણી તથા પો.કોન્સ રમેશભાઇ ગોવિંદભાઇ કરગીયા તથા પો.કોન્સ જેઠાભાઇ નાથાભાઇ કોડીયાતરને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જુનાગઢ બી ડીવી પો.સ્ટે ના ચોરીમાં ગયેલ કાળા કલરની સ્પલેન્ડર મો.સા. નં-GJ-11-CF-520ા વાળી તથા અન્ય મોટર સાઇકલો ચોરી કરનાર બે ચોર ઇસમો મોટર-સાઇકલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેરવે છે અને હાલ આ બન્ને ઇસમો ચોરીમાં ગયેલ મો.સા. લઈને જૂનાગઢ જોષીપરા આંબાવાડી એસ.બી.આઇ બેંક પાસે ઉભેલ છે તેવી ચોકકસ બાતમી મળેલ હોય. જે બાતમી હકિકત આધારે તપાસ કરતા એ હકિકત વર્ણનવાળા બંન્ને ઇસમો બાઈક સાથે હાજર મળી આવતા તેની પુછપરછ અર્થે બી ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી બન્ને ઇસમોની વારા-કરતી પુછપરછ કરતા પ્રથમ ગલ્લા તલ્લા કરતા હોય જેથી યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા બંન્ને ઇસમોએ જણાવેલ કે, આજથી સાત દિવસ પહેલા જૂનાગઢ જોષીપરા દેવ રેસીડન્સીમાંથી રાત્રીના સમયે બાઈક નં.-GJ-11-CF-5201ની ચોરી કરેલાની કબૂલાત આપી હતી.

બન્ને આરોપોઓ કૌશલ જેન્તિભાઇ કાનપરા,અહેમદ ઉર્ફે અબૂડો જાવીદભાઇ શેખની વધુ પૂછપરછ કરતા જૂનાગઢ શહેર વિસ્તામાંથી અલગ-અલગ જગ્યાએથી છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કુલ ૭ મોટર સાઇકલો ચોરી કરેલાની હકિકત જણાવેલ અને આ મોટર સાઇકલ ચોરીમાં પોતાની સાથે હરીશ પટેલ રહે. જૂનાગઢ વાળો પણ હોવાની પણ કબૂલાત આપી હતી. આથી પોલીસે સાત બાઈક કબ્જે કરી ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.