કારે બાઇકને હડફેટે લીધા બાદ બાઈક ચાલક યુવાનને લમધાર્યો

જૂનાગઢના મેઘાણી નગર રોડ પંચેશ્વર તરફ જતા વળતા રોડ પર બનેલા બનાવમાં ચાર સામે ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢના મેઘાણી નગર રોડ પંચેશ્વર તરફ જતા વળતા રોડ પર કારે બાઇકને હડફેટે લીધા બાદ ચાર શખ્સઈએ બાઈક ચાલક યુવાનને લમધાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે બાઈક ચાલક યુવાને ચાર શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કિશનભાઈ મુળુભાઈ ગુરગુટીયા (ઉ.વ.૨૩ રહે. પંચેશ્વર વિસ્તાર આવળમાંના મંદીર પાછળ જુનાગઢ)એ આરોપીઓ અજુ પુનાભાઇ મોરી, દેવા લખમણ મોરી, ડાયાભાઇ ગળચર ( દેવા લખમણના મામા ), પુનાભાઇ જેઠાભાઇ મોરી (રહે.બધા પંચેશ્વર વિસ્તાર જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તેમનું બાઈક લઇને ઘરે આવતા હતા. ત્યારે મેઘાણીનગર રોડ પંચેશ્વર તરફ જતા રોડના નાકે વાણંદની દુકાન સામે પહોંચતા સામેથી સ્કોડા ફોબીયા ગાડી આવેલ જે ફરીયાદીના બાઈક સાથે ભટકાતા કારમાંથી આરોપીઓ ઉતરી ફરીયાદીને ઢીકાપાટુનો માર મારેલ અને પછી બાજુમાં આરોપીનું ઘર બાજુમાં હોય, ત્યાં જઇ ફરીયાદીને માર મારી ઘરમાંથી આરોપીએ પ્લાસ્ટીકનો પાઇપ લાવી પાઇપથી ફરીયાદીને. માર મારી તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.