અલ્ટીમેટમ : વંથલી પાસે નવા બાયપાસ માટે ખેતરે જવાના બંધ રસ્તા ખુલ્લા ન કરાઇ તો આંદોલન

ભારતીય કિશાન સંઘની આગેવાનીમાં ખેડૂતોએ કલેકટર કચેરીનો ઘેરાવ કરી આવેદન આપ્યું

જૂનાગઢ : વંથલી પાસે બનતા નવા બાયપાસ માટે નેશનલ હાઇવે ઓથોરિટીએ ખેડૂતોના ખેતરે જવાના રસ્તા બંધ કરી કુદરતી પાણીના વહેંણ પણ બંધ કરી દેતા ખેડૂતો આગબુબુલા થયા છે. ખેતરે જવાના રસ્તા બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આથી રોષે ભરાયેલા ખેડૂતોએ ભારતીય કિશાન સંઘની આગેવાનીમાં કલેકટર કચેરીનો ઘેરાવ કરી આવેદન આપી જો 8 દિવસમાં તેમના રસ્તા ખુલ્લા ન કરાઇ તો આંદોલન કરવાનો લલકાર કર્યો છે.

વંથલી પાસે નવા બાયપાસના કામ માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ખેતરોના રસ્તા બંધ કરી દેતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. આથી ભારતીય કિશાન સંઘની આગેવાનીમાં ખેડૂતોએ કલેકટર કચેરીનો ઘેરાવ કરી આવેદન આપીને જણાવ્યું હતું કે, જૂનાગઢ વંથલી 22 કિલોમીટરના નવા બાયપાસ માટે ખેડૂતોની જમીન સંપાદન કરીને મંજૂરી આપવામાં આવી હતી .જેમાં ખેડૂતોના આબાદ સ્થાપિત અધિકારીઓ છીનવાઈ ગયા છે. જેમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ખેડૂતોના ખેતર જવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે કુદરતી પાણીના વહેણ બદલાવેલ અને ખેતરમાં વરસાદી પાણીનો નિકાલ થાય એવું નથી રાખવામાં આવ્યું જેથી ખેડૂતોને ખેતી કરવામાં ખૂબ જ મુશ્કેલી સર્જાઇ છે.

આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે ત્રણ ગામના ખેડૂતો દ્વારા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.. જેમાં ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ પ્રવક્તા મનસુખભાઈ પટોળીયા જણાવ્યું કે, હાઇવે ઓથોરિટીએ બાયપાસના કામ માટે ખેડૂતોના હક્કો ઉપર તરાપ મારી છે. એક તો ખેડૂતોની જમીન સંપાદન થઈ છે. ઉપરથી ખેતરે જવાના રસ્તા પણ બંધ કરી દીધા છે. એટલે ખેડૂતો ખેતરે જઈને ખેતીકામ કેવી રીતે કરી શકે, ઉપરાંત વર્ષોથી જે ખેતરમાં કુદરતી એટલે વરસાદી પાણીનો નિકાલ હતો, તે પણ બંધ કરી દીધો છે. આથી ચોમાસા દરમિયાન ખેતરોમાં પાણી ભરાઈ રહેશે અને ખેડૂતો પાક જ નહીં લઈ શકે. આવી સ્થિતિમાં જો ખેડૂતોને 8 દિવસમાં યોગ્ય ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેવું તેમણે જણાવ્યું હતું.