પ્રેમિકાના ઘરે મળવા ગયેલા પ્રેમીની યુવતીના પરિવારજનોએ હત્યા કરી લાશ જંગલમાં ફેંકી દીધી

જૂનાગઢના ઝાંઝરડા ચોકડીની બાજુમાં ઝુપડાઓ પાસે બનેલા હત્યાના બનાવમાં મૃતકના પિતાએ ત્રણ શખ્સો સામે નોંધાવી ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢના ઝાંઝરડા ચોકડીની બાજુમાં ઝુપડાઓ પાસે પ્રેમ સબંધ મામલે યુવાનની હીંચકારી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાન તેની પ્રેમકાના ઘર પાસે મળવા ગયા બાદ યુવતીના પરિવારજનોએ અગાઉથી હત્યાનો પ્લાન ઘડીને યુવાની હત્યા કરી તેની લાશને જંગલમાં ફેંકી દીધી હતી. તેમજ પુરાવાનો પણ નાશ કરી દીધો હતો. હત્યાના બનાવમાં મૃતકના પિતાએ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મનસુખભાઈ દેવશીભાઈ ચૌહાણ (ઉ.વ.૬૨ રહે. જયશ્રી ટોકીઝ, તુલજા ભવાની પાછળના ભાગે ગોકુલનગર મંગલમ એપાર્ટમેન્ટની બાજુમાં જુનાગઢ)એ આરોપીઓ સંજય (રહે.જુનાગઢ ઝાંઝરડા ચોકડી રોનક એપાર્ટમેન્ટ પાસે ઝુપડામાં મુળ રહે.દાહોદ), અજીત રમેશ કોળી (રહે. જલારામ મંદિર પાછળ રોનક એપાર્ટમેન્ટ જુનાગઢ મુળ ગામ ભગવાન પર તા.લીંબડી જી.સુરેન્દ્રનગર), યુવરાજ (રહે.ઝાંઝરડા ચોકડી રોનક એપાર્ટમેન્ટ પાસે ઝુપડામાં જુનાગઢ) સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના દિકરા સંજયને એક આરોપીના મામાની દિકરી પ્રેમસંબંધ થઇ ગયેલ હોય જેથી બન્ને અવાર નવાર મળતા હોય જેના કારણે ત્રણેય આરોપીઓએ આગોતરૂ આયોજન કરી ફરીયાદીનો દિકરો સંજય ગત તા.૧૬/૦૨/૨૨ના રોજ ઝાંઝરડા ચોકડી રોનક એપાર્ટમેન્ટ ની બાજુમાં ઝુપડાઓ પાસે યુવતી ઝુપડે આવતા ત્રણેય આરોપીઓએ ભેગા મળી ફરીયાદીના દિકરાને એકસંપ કરી આરોપી અજીત કોળીએ મોઢે ડુચો દઇ પકડી રાખી અને આરોપી સંજય ભુરીયાએ માથામાં ધોકા જેવા પાઈપથી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી મોત નીપજાવી અને આરોપી યુવરાજે પણ માથામાં પથ્થર મારી અને બનાવની જાણ ન થાય તે માટે ફરીયાદીના દિકરાની લાશ બાવળના કાટ જંગલમાં નાખી દઇ અને મોટર સાયકલ તળાવમાં નાખી દઇ મોબાઇલ ફોન તથા ચપ્પલ અને આરોપી અજીત તથા આરોપી સંજય ભુરીયાના કપડા સાથે તેઓએ ત્યાં સળગાવી દઇ પુરાવાઓ નાશ કરી દીધો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.