જૂનાગઢ જિલ્લા આયોજન મંડળ દ્વારા રૂા.૧૦.૬૨ કરોડના કામો મંજુર

જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અરવીંદભાઇ રૈયાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા આયોજન મંડળની જિલ્લા પ્રભારી અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રી અરવીંદભાઇ રૈયાણીની અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં કુલ રૂા.૧૦.૬૨ કરોડના વિકાસના કામો મંજુર કરાયા હતા.કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે યોજાયેલ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા આયોજન મંડળ દ્વારા મંજુર કરાયેલ કામોને પ્રાથમિકતા આપવા સાથે સમય મર્યાદામાં પૂર્ણ કરવા મંત્રી રૈયાણીએ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

રાજય સરકાર અને અધિકારીઓ પાસે લોકોની ખુબ અપેક્ષા છે. રાજ્ય સરકાર નાણાં ફાળવે પરંતુ સ્થળ પર કામ સમય મર્યાદામાં પૂર્ણ ના થાય ગુણવત્તા ન જળવાઇ એ બાબત કોઇ રીતે ચલાવી શકાય નહિં તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, કામગીરીમાં ઢીલાશ કે બેદરકારી રાખતા અધિકારીઓ સામે કાર્યવાહી થશે.

બેઠકમાં આયોજન મંડળ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨, ધારાસભ્ય ગ્રાન્ટ, સાંસદ ગ્રાન્ટ સહિતના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત જે કામ પૂર્ણ થયા હોય તેની ડેટા એન્ટ્રી પૂર્ણ કરવા કામો ન થયા હોય તેમની જવાબદારી ફિક્સ કરવા મંત્રીએ તાકીદ કરી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, શ્રી ભીખાભાઇ જોષી, શ્રી બાબુભાઇ વાજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન દિનેશભાઇ ખટારિયા, મ્યુ.કમિશનર આર.એમ.તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી, નિવાસી કલેક્ટર એલ.બી.બાંભણિયા સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની કાર્યવાહીનું સંચાલન જિલ્લા આયોજન અધિકારી આર. આર.ગંભીરે કર્યું હતું.