ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સોમવારથી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ

સ્નાતક કક્ષાની સેમેસ્ટર-૬ તથા એલએલ.બી. સેમેસ્ટર-૫ (રેમેડીયલ)ની પરીક્ષાઓ ૭૫ કેન્દ્રો ઉપર લેવાશે : અઢી કલાકના એક એવા બે સેશનમાં કુલ ૨૧૫૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

પરીક્ષા શુદ્ધિકરણના ભાગરૂપે વિવિધ કેન્દ્રો ઉપર સ્કવોડ દ્વારા તથા સી.સી.ટી.વી. મોનીટરીંગ દ્વારા દેખરેખ રખાશે

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા તા.૨૫/૦૪/૨૦૨૨, સોમવારથી વિવિધ ૭૫ કેન્દ્રો ઉપર બીજા તબક્કાની સ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. બી.એ., બી.એ. (હોમ સાયન્સ), બી.કોમ., બી.એસસી., બી.એસસી.(હોમ સાયન્સ), બી.બી.એ., બી.સી.એ., બી.એસસી.(આઈ.ટી.), બી.એસસી.(ફોરેન્સિક સાયન્સ), બી.એસ.ડબલ્યુ., બી.આર.એસ., એલએલ.બી. ની સેમેસ્ટર – ૬ તથા એલએલ.બી. સેમેસ્ટર – ૫ (રેમેડીયલ)ની પરીક્ષામાં કુલ ૨૧૫૬૦ વિદ્યાર્થીઓ બેસવાના છે.

કોરોના મહામારીને સંદર્ભે સરકારશ્રી દ્વારા ક્રમશ: નિયમોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યારે સરકારની વર્તમાન ગાઈડલાઈન્સ મુજબ તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષાઓ લેવામાં આવનાર હોવાનું ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડૉ.) ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું. અઢી કલાકનું એક એવા બે સેશનમાં દિવસ દરમ્યાન પરીક્ષાઓ લેવામાં આવશે. પરીક્ષા શુદ્ધિકરણના ભાગરૂપે વિવિધ કેન્દ્રો ઉપર ફ્લાઈંગ સ્કવોડ, અનુભવી પ્રાધ્યાપકોની સ્કવોડ દ્વારા તથા યુનિવર્સિટી ખાતેથી સી.સી.ટી.વી. મોનીટરીંગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. પરીક્ષા દરમ્યાન માસ્ક, સેનિટાઈઝેશન, સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતની નિયમ મુજબની કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે.