વિસાવદરમાં રેશનીંગના ઘઉં-ચોખાનો મસમોટો જથ્થો ઝડપી લેતી પોલીસ

રેશનિંગના ઘઉં ચોખાનું બારોબાર વેચવાનું મસમોટું નેટવર્ક ચાલતુ હોવાની આશંકા, મામલતદારે પુરવઠા ગોડાઉન ખાતે તમામ જથ્થો સીઝ કરી તપાસ હાથ ધરી

જૂનાગઢ : વિસાવદરમાં પોલીસે આજે અમરેલી તરફથી પાંચ વાહન ભરીને આવતા રેશનીંગના ઘઉં-ચોખાનો મસમોટો જથ્થો ઝડપી લીધો હતો. આ રેશનિંગના ઘઉં ચોખાનું બારોબાર વેચવાનું મસમોટું નેટવર્ક ચાલતુ હોવાની પોલીસે આશંકા દર્શાવી રેશનિંગનો જથ્થો મામલતદારને હવાલે કર્યો છે. આથી મામલતદારે પુરવઠા ગોડાઉન ખાતે તમામ જથ્થો સીઝ કરી તપાસ હાથ ધરી છે.

વિસાવદર પાસે આજે વહેલી સવારે પીઆઈ નીરવ શાહની સૂચનાથી પીએસઆઇ સુમરા મેડમ અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે વાહન ચેકિંગ દરમિયાન જુદા જુદા પાંચ વાહનોમાં ઘઉ અને ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ ઘઉં અને ચોખાના જથ્થા વિશે વાહનચાલક પાસેથી બિલ માંગ્યા પરંતુ બિલ કે પુરાવા ન હોવાથી પાંચ વાહનો અને તેમાં રહેલા ઘઉં અને ચોખાના જથ્થાને પોલીસે ઝડપીને વિસાવદર મામલતદારને તમામ જથ્થો સોંપી દેવામાં આવ્યું છે. આ ઘઉં અને ચોખાનું જથ્થો રેશનિંગ નો હોવાનું આશંકા સેવાઈ રહી છે આ જથ્થો અમરેલી તરફથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હજુ સુધી આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

વધુમાં વિસાવદરમાંથી પાંચ વાહનોમાં ભરેલા ઘઉં અને ચોખાના જથ્થાને પોલીસે ઝડપીને વિસાવદર મામલતદારને સોંપી દેતા મામલતદારે પુરવઠા ગોડાઉન ખાતે તમામ જથ્થો સીઝ કર્યો છે. આ બનાવમાં રેશનિંગના ઘઉં ચોખાનું બારોબાર વેચવાનું મસમોટું નેટવર્ક ચાલતુ હોવાની આશંકા ઉઠી છે. અગાઉ અનેકવાર રેશનીંગના ઘઉં-ચોખા પકડાયા છે અને વિસાવદર બીલખા અને અમરેલી જિલ્લામાં મસમોટું નેટવર્ક ચાલી રહ્યું હોવાની ચર્ચા જાગી છે. ત્યારે આ પ્રકરણમાં મામલતદારની આગળની તપાસમાં આ અનાજનો જથ્થો ખરેખર રેશનિંગનો છે કે કેમ તેમજ જો રેશનિંગનો જથ્થો હોય તો ક્યાં સગેવગે કે, બરોબર વેચવાના હતા ? તે સહિતની વિગતો બહાર આવશે.