ભેસાણ ચોકડી પાસે ત્રણ પિસ્તોલ અને ૨૮ જીવતા કાર્ટીસ સાથે બે ઝડપાયા

પિસ્તોલ કોની પાસેથી લીધી અને ગુન્હા માટે ઉપયોગ કર્યો કે કેમ તે અંગે કડક પૂછપરછ હાથ ધરી

જૂનાગઢ : જુનાગઢ તાલુકા પોલીસે બાતમીના આધારે ભેસાણ ચોકડી પાસે કારમાં ત્રણ પિસ્તોલ સાથે નીકળેલા બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે આ બન્ને શખ્સો સામે આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધી પિસ્તોલ કોની પાસેથી લીધી અને ગુન્હા માટે ઉપયોગ કર્યો કે કેમ તે અંગે કડક પૂછપરછ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ સ્ટાફને ગઈકાલે બાતમી મળી હતી કે, ભેસાણ ચોકડી પાસે કારમાં પિસ્તોલ જેવા ઘાતક હથિયારો સાથે બે શખ્સો પસાર થવાના છે. આ પ્રકારની બાતમી મળતા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટાફે ભેસાણ ચોકડી પાસે પસાર થતી હ્યુન્ડાઇ કંપનીની વર્ના ફોર વ્હીલ કાર નં જી.જે ૧૯ એ.એ.૭૦૦૧ કિ.રૂ.૨,૦૦,૦૦૦ને અટકાવીને તલાશી લેતા આરોપીના પોતાના નેફામા તથા કારના ડેસ્કબોર્ડમા પિસ્તોલ નંગ-૩ ૧,૦૫,૦૦૦ તથા જીવતા કાર્ટીસ નં.૨૮ કિ.રૂ.૨૮૦૦ તથા મેગ્જીન નંગ-૨ કિ.રૂ.૨,૦૦૦ તથા મો.ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૩,૧૯,૮૦૦ ના મુદામાલ મળી આવતા પોલીસે આરોપીઓ ફિરોજભાઇ ઉર્ફે લાલો વસીમભાઇ હાલા (ઉ.વ.૩૦ રહે.નવી ચોબારી ગામ દરગાહ સામે તા.જી.જુનાગઢ), રોહીતભાઇ ઘનશ્યામભાઇ હાલાણી (ઉ.વ.૩૧ રહે. પો.હેડ ક્વા.ની બાજુમા શિલ્પ એપાર્ટમેન્ટ એ/૪૦૨ જુનાગઢ)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.