કિશાન ભાગીદારી પ્રાથમિકતા હમારી અંતર્ગત ખેડૂતોને કિસાન ક્રેડીટ કાર્ડથી લાભ અપાશે

ખેડુતોને કિશાન ક્રેડીટ કાર્ડઅંતર્ગત લાભ આપવા જૂનાગઢ ખાતે બેન્કોના અધિકારીઓની બેઠક યોજાઇ

જૂનાગઢ : કિશાન ભાગીદારી પ્રાથમિકતા હમારી કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં પી.એમ.કિશાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે. આ લાભ આપવા કલેકટર કચેરી જૂનાગઢ ખાતે નિવાસી અધિક કલેકટર શ્રી એલ.બી. બાંભણીયાના અધ્યક્ષસ્થાને બેંકોના અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

જૂનાગઢ જિલ્લામા ૧.૨૫ લાખથી વધુ ખેડુતો કિશાન ક્રેડિટ કાર્ડ ધરાવે છે.અને ૧.૭૦ લાખથી વધુ ખેડુતો પી.એમ. કિશાન નિધિ યોજનાનો લાભ મેળવે છે. આ યોજના પી.એમ.કિસાન નિધિના જે લાભાર્થીઓએ લોન માટેની કેસીસી (કિસાન ક્રેડીટ કાર્ડ)ની યોજનાનો લાભ લીધેલ ના હોય તેના માટે છે. કેસીસીની લોનનો લાભ ખાતા દીઠ મળવાપાત્ર છે.આ યોજનાનો લાભ આપવા જિલ્લાના તમામ ગામોમાં તા. ૨૪ એપ્રીલના રોજ ગ્રામસભા યોજાશે. જેમાં બેન્કના અધીકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

કિશાન ક્રેડીટ કાર્ડ દ્રવારા બેન્કો પાસેથી લોન લેતા ખેડુતો૩ લાખ સુધીની લોન માટે વ્યાજ દર ૭ ટકા રહેશે. જો આ લોનની ભરપાઇ ૩૬૫ દીવસની અંદર કરવામાં આવે તો ૩ ટકા વ્યાજ કેન્દ્ર સરકાર (નાબાર્ડ) અને ૪ ટકા વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ભરપાઇ કરવામાં આવશે. જો ૩૬૫ દિવસની અંદર લોન ભરપાઇ કરવામાં નહી આવે તો બેન્કના નિયમ મુજબ વ્યાજદર રહેશે.મત્સ્યદ્યોગ અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ ખેડુતોને મળતા આ લાભ મળવાપાત્ર છે.તેમ લીડ બેન્ક મેનેજર અનીલ તોસનીવાલ અને નાબાર્ડના જિલ્લા પ્રબંધક કિરણ રાઉતે જણાવ્યુ હતુ.

ઉપરાંત કેસીસીનો લાભ ૭-૧૨ની કોપી અને પાકની વિગત બેન્ક દ્વારા સરળતાથી અને ત્વરીત આપવામાં આવશે. પીએમ કિશાનના જે લાભાર્થીઓ કેસીસીનો લાભ લઇ રહ્યા છે. તેઓ વધારાની લોન લેવા માટે તેમની બેન્કની બ્રાન્ચનો સંપક કરી શકશે. તેમજ લાભાર્થીઓને આ યોજનાનું સરળ ફોર્મ ભરવા માટેની માહિતી નજીકના સીએસસી સેન્ટરથી મળશે.તા.૨૪ એપ્રીલ થી ૧ મે સુધીના ખાસ અભિયાનમાં આ યોજનાના તમામ લાભાર્થીઓનો આવરી લેવા આયોજન કરાયુ છે..

આ તકે અધિક કલેકટરએ ઉપસ્થિત તમામ બેન્કોના અધિકારીઓને કેસીસીના લાભાર્થીઓનો સંપર્ક કરી સમયમર્યાદામાં તેમને આ લાભ મળે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. ઉપરાંત ગ્રામસભાના માધ્યમથી વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરવા પણ અનુરોધ કર્યો હતો. તેમજ ફોર્મ ભરવા આવેલ લાભાર્થીઓને પી.એમ.જે.જે.બી.વાય. અને પી.એમ.એસ.બી.વાય. યોજનામા સમાવેશ કરાવવા તેઓએ જણાવ્યું હતું.આ બેઠકમા નાયબ જિલ્લા વિકાસ અધિકારી અંગત મંડોત, નાયબ પશુપાલન નિયામક ડો. પાનેરા સહિત બેન્કોના અધિકારીઓ-પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા.