જૂનાગઢમાં બેન્કો દ્વારા વિવિધ સેકટર માટે રૂા.૭૪૮૧ કરોડનો વાર્ષિક ધિરાણ પ્લાન લોન્ચ કરાયો

કૃષિ ક્ષેત્ર માટે ૪૯૭૯ કરોડની જોગવાઇ

નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ૯૫૦ કરોડ

હાઉસિંગ લોન માટે રૂા.૩૪૫ કરોડ

જૂનાગઢ :જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩માં વિવિધ બેન્કો દ્વારા રૂા.૭૪૮૧ કરોડનો વાર્ષિક ધિરાણ પ્લાન લોન્ચ કરાયો છે. લીડ બેન્ક અને નાબાર્ડ દ્વારા આ વાર્ષિક ધિરાણ પ્લાનને કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયાએ લોન્ચ કર્યો હતો.

આ વાર્ષિક પ્લાનમાં કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપી વર્ષ દરમિયાન કુલ રૂા.૪૯૭૯ કરોડના ધિરાણની જોગવાઇ કરવામાં આવી છે.

જ્યારે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે રૂા.૯૫૦ કરોડ અને હાઉસિંગ સેક્ટર માટે રૂા.૩૪૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

નાબાર્ડના જિલ્લા પ્રબંધક કિરણ રાઉત અને લીડ બેન્કના મેનેજરશ્રી અનીલ તોસનીવાલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ટર્મ લોન માટે રૂા.૫૯૬ કરોડ, એલાઇડ એકટીવીટી માટે રૂા.૧૩૩ કરોડ, એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા ૩૨ કરોડ, સામાજિક ક્ષેત્ર માટે રૂા.૭૮ કરોડ સહિત અન્ય ક્ષેત્રો માટે એમ કુલ ૭૪૮૧ કરોડની જોગવાઇ રાખવામાં આવી છે.

આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અંગત મંડોત, નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.પાનેરા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દવે, રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.