ભારે કરી ! જૂનાગઢમાં સમાધિ સ્થળના મેદાનમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

જૂનાગઢ સીટી એ ડિવિઝન સ્ટાફે કામદાર સોસાયટીમાં દરોડો પાડી એકને દબોચ્યો : એકનું નામ ખુલ્યું

જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં કામદાર સોસાયાટી નજીક આવેલ બાવાજીની સમાધીના ખુલ્લા મેદાનમા જાહેરમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી ચાલુ ભઠ્ઠી સાથે એકને ઝડપી લીધો હતો જયારે અન્ય એક આરોપીનું નામ ખુલતા ફરાર દર્શાવવામાં આવ્યો છે.

જૂનાગઢ સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે કામદાર સોસાયટી બાવાજીની સમાધીના ખુલ્લા મેદાનમા દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા વતનભાઈ બકુલભાઈ ઝાલા ઉ.વ.૨૦ રહે. કામદાર સોસાયટી પાંજરાપોળની દિવાલ પાસે, જુનાગઢ વાળાને 300 લીટર આથો, 50 લીટર દેશી દારૂ, લોખંડનું બોઇલર બેરલ, એલ્યુમિનિયમ તગારું, પાટલી, ગેસ, ગેસનો બાટલો સહીત 3420નો મુદામાલ ઝડપી લીધો હતો જયારે જીતેન્દ્ર ઉર્ફે જીતુ હિરાભાઇ બગડાનું નામ ખુલતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.