બીલખાના બાદલપુર ગામે રીક્ષા ચાલક ગેંગે મુસાફરીના બહાને વૃદ્ધાનો સોનાનો ચેઇન સેરવી લીધો

વૃદ્ધાએ રીક્ષા ચાલક અને તેની સાગરીત બે મહિલા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : બીલખાના બાદલપુર ગામે રીક્ષા ચાલક ગેંગે તરખાટ મચાવી મુસાફરીના બહાને વૃદ્ધાનો સોનાને ચેઇન સેરવી લીધો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે વૃદ્ધાએ રીક્ષા ચાલક અને તેની સાગરીત બે મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે રીક્ષા ચાલક ગેંગને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

બીલખા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ચંપાબેન તેજસિંહભાઇ ચાવડા (ઉ.વ.૬૮ રહે.બાંટવા શીવ પાર્ક સોસાયટી- ખોડીયાર મંદિર પાસે તા.માણાવદર જી.જુનાગઢ) નામના વૃદ્ધાએ આરોપીઓ એક ઓટો રીક્ષા ચાલક અજાણ્યો પુરૂષ તથા તેની સાથેની બે અજાણી સ્ત્રી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે બીલખાના બાદલપુર ગામ (ચેતન્યનગર) પાસે રિક્ષામાં મુસાફરી દરમિયાન આરોપી ઓટો રીક્ષા ચાલાક અજાણ્યો પુરૂષ તથા તેની સાથેની બે અજાણી મહીલા એમ ત્રણેયે મળીને કોઇપણ રીતે ફરીયાદીએ ગળામા પહેરેલ સોનાનો ચેન આશરે દોઢ તોલા(પંદરગ્રામ)નો કી.રૂ.૩૦,૦૦૦ નો કોઇપણ રીતે ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વૃદ્ધાની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી છે.