રેસિપી સ્પેશિયલ : જાણો.. કેવી રીતે ઘરે બનાવશો ગોળ-કેરીનું ટેસ્ટી અથાણું

હાલમાં કેરીની સિઝન ચાલી રહી છે. એટલે કે ઘરે અથાણાં બનાવવાની સીઝન આવી ગઈ છે. મોટાભાગના લોકો બારે માસ ઉપયોગમાં લેવા માટે ઘરે અથાણાં બનાવતા હોય છે. ઘરે બનાવેલા અથાણાં ખાવાની પણ મજા આવે છે. તો જાણો કેવી રીતે ઘરે બનાવશો ગોળ-કેરીનું ટેસ્ટી અથાણું. આ માપથી ગોળ-કેરીનું અથાણું બનાવશો તો બારે મહિના કલર પણ એવો ને એવો જ રહેશે.

ગોળ-કેરીના અથાણાંની સામગ્રી

1. ચાર નંગ કાચી કેરી
2. 1/3 ચમચી હળદર
3. સ્વાદાનુંસાર મીઠું
4. 40 ગ્રામ રઇના કુરિયા
5. 30 ગ્રામ મેથીના દાણાં
6. એક મોટી ચમચી હિંગ
7. ½ ચમચી હળદર પાઉડર
8. બે મોટી ચમચી તેલ
9. 10-12 કાળા મરી
10. ત્રણથી ચાર સુકા લાલ મરચાં
11. ત્રણ મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું
12. ત્રણ મોટી ચમચી તીખું લાલ મરચું
13. 90 ગ્રામ સુકાં ધાણાં
14. દોઢ કિલો ગોળ

અથાણાં બનાવવાની રીત

1. ગોળ-કેરીનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ કેરીને ધોઇ લો.
2. કેરીને ધોઇને એની છાલ કાઢી લો અને મિડીયમ સાઇઝના ટુકડાં કરી લો.
3. હવે કેરીના ટુકડાને બાઉલમાં લઇ લો.
4. ત્યારબાદ બાઉલમાં સ્વાદાનુંસાર મીઠું અને હળદર મિક્સ કરી લો.
5. આ બધી જ વસ્તુ મિક્સ થઇ જાય એટલે બાઉલને ઢાંકી દો.
6. હવે આ બાઉલને 4-5 કલાકે એક વાર તમારે હલાવવાનું રહેશે.
7. ત્યારબાદ આ કેરીના ટુકડાંને નિતારીને એક કોટનના કપડામાં પાથરી દો. હવે કોટનના કપડામાં 24 કલાક સુધી સુકાવા દો.
8. આ બધી જ પ્રોસેસ થઇ જાય એટલે એક બાઉલ લો અને એમાં રાયના કુરિયા, મેથીના દાણા, હિંગ, હળદર, કાળા મરી અને લાલ મરચાં ઉમેરો.
9. હવે એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા મુકો.
10. તેલ ગરમ થઇ જાય એટલે બાઉલમાં રહેલું બધું જ મિશ્રણ ઉપરથી રેડી દો અને ડિશથી ઢાંકી દો.
11. ત્યારબાદ આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો.
12. મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઇ જાય એટલે કાશ્મીરી લાલ મરચું અને રેગ્યુલર તીખું મરચું અને ધાણા ઉમેરી લો.
13. હવે આમાં હળદર-મીઠાવાળા કેરીના ટુકડાં ઉમેરીને મિક્સ કરી લો અને ગોળનાં નાના ટુકડાં ઉમેરીને મિક્સ કરીને બાઉલમાં ઢાંકી લો.
14. આ મિશ્રણને 13 થી 14 કલાક માટે એમ જ રહેવા દો અને પછી ફરીથી મિક્સ કરી લો.
તો તૈયાર છે ગોળ-કેરીનું અથાણું.