વંથલીના કણજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બ્લોક આરોગ્ય મેળો યોજાયો

આરોગ્ય મેળમાં તજજ્ઞો દ્વારા લાભાર્થીઓને સારવાર, દવા અને માર્ગદર્શન અપાયા

જૂનાગઢ : વંથલી તાલુકાના કણજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લોક આરોગ્ય મેળો યોજાયો હતો. જેમા તજજ્ઞો દ્વારા તપાસ, સારવાર, દવા અને વિવિધ રોગોથી બચવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વંથલી બ્લોક આોરોગ્ય મેળાને જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં તા.૧૮ એપ્રિલ થી ૨૨ એપ્રિલ દરમિયાન દરેક તાલુકામાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લા પંચાયત અને વહિવટી તંત્ર દ્વારા વંથલી તાલુકાના કણજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લોક આરોગ્ય મેળો યોજાયો હતો.જેમાં વિવિધ રોગોના નિષ્ણાંત દ્વારા લોકોનું સારવાર-નિદાન કરવામાં આવ્યું હતું.

કણજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ આરોગ્ય મેળાનો લાભ બહોળી સંખ્યામાં લોકોએ લીધો હતો. જેમા ૯૦૦ થી વધુ લોકોને બ્લડપ્રેશર, ડાયાબીટીસની તપાસ કરવામાં આવી હતી આ ઉપરાંત સગર્ભાઓને સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા તપાસ, સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તદઉપરાંત મેળામાં આવેલ લાભાર્થીઓને યોગ નિદર્શન, મહિલાઓ-બાળકો માટે પોષણ સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ હેલ્થકાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યું હતું.