જૂનાગઢની જીલ્લા જેલમાં વધુ એક મોબાઈલ મળતા ચકચાર

જેલર ગૃપ-૨ ઝડતી સ્કવોર્ડ દ્વારા જેલમાં ચેકિંગ દરમિયાન મોબાઈલ મળતા અજાણ્યા કેદીઓ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢની જિલ્લા જેલ જાણે મોબાઈલ શોપ હોય તેમ વખતોવખત ચેકિંગ દરમિયાન પ્રતિબધિત મોબાઈલ મળી આવતા હોવાની ઘટનાઓ સામાન્ય બની છે. જેમાં ગઈકાલે જૂનાગઢની જિલ્લા જેલમાં જેલર ગૃપ-૨ ઝડતી સ્કવોર્ડ દ્વારા જેલમાં ચેકિંગ દરમિયાન વધુ એક મોબાઈલ મળી આવતા ચકચાર મચી ગઇ છે. હાલ પોલીસે આ મોબાઈલ મળવાની ઘટનામાં અજાણ્યા કેદીઓ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દેવશીભાઇ રણમલભાઇ કરંગીયા (ઉ.વ.૫૦, જેલર ગૃપ-૨, ઝડતી સ્કવોર્ડ જેલર અધિક પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી સુભાષ બ્રીજ સર્કલ અમદાવાદ)એ જૂનાગઢની જીલ્લા જેલના અજાણીયા કેદીઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે જેલર ગૃપ-૨, ઝડતી સ્કવોર્ડ દ્વારા આ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં કેદીઓની બેરેક તેમજ સંડાસ બાથરૂમની તપાસ કરવામાં આવી હતી તે દરમિયાન જેલના સંડાસમાંથી એક મોબાઈલ મળી આવતા કોઈ અજાણ્યા કેદીએ જેલ પ્રતિંબધીત વિસ્તારમાં આઈટેલ કંપનીનો કેમેરાવાળો સફેદ કલરનો બે સીમકાર્ડની સ્પેસવાળો બેટરી સાથેનો મોબાઇલ ફોન કિંમત રૂ.૧૦૦ સિમ કાર્ડ વગરનો સર્કલ-૦૩નો મોબાઈલ ગુનાહિત પ્રવૃતિઓ માટે રાખ્યો હોવાનો પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.