જૂનાગઢની સિવિલમાં 38 વર્ષથી દર્દીઓની સેવા કરતું સત્યમ સેવા યુવક ગ્રુપ

હોસ્પિટલના ડિન દ્વારા ખાસ સેવા માટે કેબિન ફાળવાઈ, આજે સેવા કરતું સત્યમ સેવા યુવક ગ્રુપ દ્વારા દાતાના સહયોગથી પાણીનું પરબ ખુલ્લુ મુકાયું

જૂનાગઢ : કહેવાય છે કે, દર્દી નારાયણની સેવા એ ઈશ્વર અલ્લાહની સાચી બંદગી છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં મોટાભાગના સમાન્ય વર્ગના દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવે છે. પણ દર્દીઓ કે તેમના સગાઓ માટે ભોજનની સુવિધાઓ ન હોવાથી આ દર્દીઓ અને તેમના સગાઓને હાલાકી ન પડે તે માટે જૂનાગઢનું સત્યમ સેવા યુવક મંડળ ગ્રુપ છેલ્લા 38 વર્ષથી અવિરતપણે સેવાયજ્ઞ ચલાવે છે. ત્યારે વધુ એક સેવાકીય કાર્ય હાથ ધરીને જૂનાગઢની સિવિલમાં દાતાના સહયોગથી પાણીનું પરબ ખુલ્લુ મૂક્યું છે.

જૂનાગઢનું સત્યમ સેવા યુવક મંડળ ગ્રુપ છેલ્લા 38 વર્ષથી જૂનાગઢની સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને તેના સગાની સેવા કરે છે. આ ગ્રુપના સભ્યો જૂનાગઢની સિવિલ હોસ્પિટલની પ્રસૂતાને આરોગ્ય વર્ધક શિરો તેમજ દર્દીઓને નિયમિત રીતે ભોજન પહોંચાડે છે. સિવિલ હોસ્પિટલના દર્દીઓની જઠરાગ્નિ તૃપ્ત કરીને 38 વર્ષથી સેવા કરતા સત્યમ સેવા યુવક મંડળ ગ્રુપની સેવાની ગુજરાત સરકારે નોંધ લઈ તેમજ આ સેવાને વ્યાપક બનાવવા માટે હોસ્પિટલના ડિન સુશીલકુમાર દ્વારા આ સંસ્થાને હોસ્પિટલમાં ખાસ જગ્યા ફાળવવામાં આવી છે. જેથી આ સંસ્થા ત્વરિત રીતે સિવિલમાં જ દર્દીઓને ભોજન સહિતની સેવા કરી શકશે.

આજે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઠંડા પાણીનું વોટર કુલર અર્પણ કરવામાં આવ્યું છે. જેમાં દાતા દામજીભાઈ પરમાર દ્વારા રૂ. 61 હજારના ખર્ચે આ પાણીનું પરબ ખુલ્લું મુકવામાં આવ્યું છે. અ તકે મેયર ગીતાબેન પરમાર, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સિવિલ હોસ્પિટલના દર્દીઓ તેમજ તેમના સગાઓને હાલ કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીની સુવિધા મળી છે.