જૂનાગઢમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે રેલી યોજાઈ

ધારાસભ્ય, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતનાએ ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી, મેયર સહિતના મનપાના અધિકારીઓ-પદાધિકારીઓએ ડો, બાબા સાહેબ આબેકડરની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી

જૂનાગઢ : જૂનાગઢમાં આજે ભારત રત્ન અને બંધરણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે બહુજન સમાજ પાર્ટી, અને અન્ય પક્ષો અને સંગઠનો દ્વારા બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને જૂનાગઢના કાળવા ચોક ખાતે મોટી સંખ્યામાં લોકોએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે રેલી યોજાઈ હતી.

જૂનાગઢમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે પોલીસનો પણ કડક બંદોબસ્ત રાખી દેવાયો હતો. જેમાં કાળવા ચોક ખાતે એ ડિવિઝનના પી આઈ એમ એમ વાઢેર, પીએસઆઇ એ કે પરમાર પીએસઆઇ આંબલીયા મેડમ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડો બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે જુદા જુદા સંગઠનો દ્વારા બાઇક રેલી શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અલગ અલગ સંગઠનોએ રેલી-શોભાયાત્રા યોજી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા કાળવા ચોક ખાતે પહોંચી મોટી સંખ્યામાં લોકોએ હારતોરા કર્યા હતા. તે નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો સલામતી જળવાય રહે તે માટે પોલીસ ધોમધકતા તાપમાં પેટ્રોલિંગ સહિતની કામગીરી હાથ ધરી હતી. જ્યારે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ સહિતનાએ ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી હતી.

જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા આજે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે કાળવા ચોક ખાતે મેયર ગીતાબેન. એમ.પરમારના વરદ હસ્તે તેમજ ડે. મેયર ગિરીશ ભાઈ કોટેચાના હસ્તે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સુતરની આંટી પહેરાવામા આવી હતી અને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આ તકે પૂર્વ મેયર ધીરુભાઈ ગોહેલ, કોર્પોરેટર દિવાળીબેન પરમાર, મોહનભાઇ પરમાર અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો તેમજ આસી. કમિશનર જયેશ.પી.વાજા, પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, ઓફિસ સુપ્રી. જીજ્ઞેશભાઈ પરમાર, વ્યવસાય વેરા અધિકારી રાજુભાઇ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.