વંથલીમાં વકીલ અને પાડોશી પરિવાર વચ્ચે મારામારી

બન્ને પક્ષે એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : વંથલીમાં વકીલના પરિવાર અને પાડોશી પરિવાર વચ્ચે કોઈ જૂની માથાકૂટ મામલે બઘડાટી બોલી ગઈ હતી.બન્ને પરિવારો એકબીજા ઉપર તૂટી પડ્યા બાદ બન્ને પક્ષે એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સાગરભાઇ રમેશભાઇ વાણવી (ઉ.વ.૨૬ રહે.વંથલી નીચલા વણકર વાસ શેરી નં-૪) એ આરોપીઓ કિરીટભાઇ, ભારતીબેન કિરીટભાઇ, સાજણબેન, શીવ કીરીટભાઇ (રહે.વંથલી નીચલા વાસ શેરી નં-૪)ની સામે ફરિયાદ નોંધાવી હતી કે,આરોપીએ ફરીયાદી ગાળો આપેલ અને ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને વધુ ગાળો બોલવા લાગેલ અને ઉશ્કેરાઈ જઈ આરોપીએ ફરીયાદીને લાકડીનો એક ઘા માથાના ભાગે મારી મુઢ ઇજા કરી તેમજ અન્ય આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો ભાંડી હતી.

સામાપક્ષે વકીલ કિરીટભાઇ મેઘજીભાઇ વાણવી (ઉવ.૪૪ ધંધો.વકીલાત રહે.વંથલી)એ આરોપીઓ રમેશભાઇ વાણવી, સાગર રમેશભાઇ વાણવી, મનીષ રમેશભાઇ વાણવી (રહે.વંથલી નીચલા વાસ શેરી નં-૪) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ પોતાના હાથમાં લોખંડનો પાઇપ તથા લાકડી વડે ફરીયાદી તથા ફરીયાદીના મમ્મીને શરીરે માર મારી મુઢ ઇજા કરી તેમજ ગાળો આપી હતી.