હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે આપી રાહત, હવે વિધાનસભા ચૂંટણી લડે તેવી સંભાવના

હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવો જોઈતો હતો : સુપ્રીમ કોર્ટની ટકોર

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સજા પર સ્ટે મુક્યો છે અને કહ્યું છે કે સંબંધિત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવો જોઈતો હતો.

આ કેસ પરત ખેંચાયા

ગયા મહિનાની શરૂઆતમાં, ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલનના સંદર્ભમાં નોંધાયેલા 10 કેસ પાછા ખેંચી લીધા હતા. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે તે સમયે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા નિર્દેશો મુજબ કેસ પાછા ખેંચવા માટે વિવિધ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. અમદાવાદની સેશન્સ કોર્ટે સાત કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી હતી.

સિટી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે વધુ ત્રણ કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી હતી, જે અન્ય કલમો વચ્ચે કલમ 143, 144, 332 હેઠળ નોંધાયેલા હતા. , બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, હાર્દિક પટેલ સામેના રાજદ્રોહના કેસ સિવાય અમદાવાદની સેશન્સ કોર્ટમાં પાટીદાર અનામત આંદોલનનો કોઈ કેસ પેન્ડિંગ નથી. તેમણે કહ્યું હતું કે મેટ્રોપોલિટન કોર્ટ 15મી એપ્રિલે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા પટેલ અને અન્યો સામેનો ફોજદારી કેસ પાછો ખેંચવાનો આદેશ આપી શકે છે.

આ સાથે જ હાર્દિક પટેલના ચૂંટણીના મેદાનમાં ઊતરવાની પણ સંભાવનાઓ ફરીથી વાસ્તવિકતામાં પરિવર્તિત થતી દેખાઈ રહી છે. પરંતુ સમગ્ર મામલો આવનારા ચૂંટણી સમયે જ માલૂમ પડશે.