કારમાં આઇપીએલ ઉપર સટ્ટો રમતા ટ્રાવેલ્સના ધંધાર્થીને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ

જૂનાગઢના ગિરિરાજ મેઈન રોડ ઉપર દરોડો દરમિયાન એક બુકીનું નામ ખુલ્યું

જૂનાગઢ : જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલ ચાલી રહેલી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટાના નેટવર્ક ઉપર ખાસ વોચ રાખી આ અંગેની ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢના ગિરિરાજ મેઈન રોડ ઉપર દરોડો પાડીકારમાં આઇપીએલ ઉપર સટ્ટો રમતા ટ્રાવેલ્સના ધંધાર્થીને ઝડપી લીધો હતો. જો કે પોલીસના દરોડો દરમિયાન એક બુકીનું નામ ખુલ્યું છે.

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આજે ચોક્કસ બાતમી મળી હતી કે, જૂનાગઢની ગિરિરાજ સોસાયટીમાં રહેતા વિકી દેવાનંદભાઈ હીરવાણી (ધંધો ટ્રાવેલ્સ બુકીંગ ઓફીસ) આજે જૂનાગઢના ગિરિરાજ મેઈન રોડ ઉપર પોતાની જી.જે.11 બી.આર. 6420 નબરની કારમાં હાલમાં ચાલી રહેલી આઇપીએલ ક્રિકેટ મેચમાં મોબાઈલ ફોન ઉપર અન્ય બુકીઓનો સંપર્ક કરી હારજીતનો સટ્ટો રમતા હોવાની બાતમી મળતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ત્યાં ત્રાટકી હતી અને કારમાં ક્રિકેટનો સટ્ટો રમતા આરોપી વિકી દેવાનંદભાઈ હીરવાણીને રૂ.70 હજાર રોકડા, કાર, મોબાઈલ તેમજ ક્રિકેટ સટ્ટાના સાહિત્ય મળી કુલ રૂ.10.27 લાખના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. આ આરોપીને કોની પાસે કપાત કરાવતો હતો તે અંગે પૂછપરછ કરતા તેણે દેવ ગઢવીનું નામ આપ્યું હતું. આથી પોલીસે આ બુકી સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.