પડતર પ્રશ્ને ફરી શિક્ષકો મેદાને : જૂનાગઢમાં ધો.10 ની પરીક્ષાના પેપર ચકાસણીનો બહિષ્કાર

શહેરના 400થી વધુ શિક્ષકોએ કેન્દ્ર ઉપર હાજર રહી પેન ડાઉન કર્યું

જૂનાગઢ : પડતર પ્રશ્ને શિક્ષકો ફરી સરકાર સામે લડી લેવાના મૂડ સાથે મેદાને આવ્યા છે અને જૂનાગઢમાં શિક્ષકોએ ધો.10 ની પરીક્ષાના પેપર ચકાસણીનો બહિષ્કાર કરી દીધો છે. શહેરના 400થી વધુ શિક્ષકોએ કેન્દ્ર ઉપર હાજર રહી પેન ડાઉન કર્યું છે અને જ્યાં સુધી પડતર માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી પેપર ચકાસણીની કામગીરી નહિ કરવાનો લલકાર કર્યો છે.

જૂનાગઢમાં આજે શિક્ષકોએ ધોરણ 10 ની પરીક્ષાના પેપર ચકાસણીનો બહિષ્કાર કરી દીધો છે. જેમાં શહેરના 400થી વધુ શિક્ષકો પેપર ચકાસણી કેન્દ્ર પર હાજર થયા બાદ પેન ડાઉન જાહેર કર્યું છે. જેમાં આજના દિવસે શિક્ષકો એકપણ પેપરની ચકાસણી નહિ કરે તેવો અડગ નિર્ણય જાહેર કર્યો છે. પોતાની પડતર માંગણી સરકાર દ્વારા ન સ્વીકારતા શિક્ષકોએ આ રીતે આકરો મૂડ અખત્યાર કર્યો છે.

જૂનાગઢ માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી અશ્વિન કુમાર ચાવડાએ જણાવ્યું શિક્ષકોએ પોતાની પડતર માંગણીઓ માટે સરકાર સમક્ષ વખતોવખત રજુઆત અને લડત પણ ચલાવી છે. તેમ છતાં સરકારે શિક્ષકોના હિતમાં કોઈ નિર્ણય જાહેર કર્યો નથી.આથી આજથી ધો. 10ના પેપરની ચકાસણીનો શિક્ષકોએ બેહિષ્કાર કર્યો છે . જેમાં જુનાગઢના ત્રણ સ્કૂલમાં આજથી ધો. 10ના પેપરની ચકાસણી શરૂ થઈ છે. જો કે શિક્ષકો એ કેન્દ્રમાં હાજર રહ્યા હતા પણ પેપર ચકાસણીની કામગીરીથી અળગા રહ્યા છે અને જ્યાં સુધી પડતર માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી પેપર ચકાસણીની કામગીરી નહિ કરવાનો લલકાર કર્યો છે.