ઉમાધામનો પાટોત્સવ માત્ર ધાર્મિક નહીં આરોગ્ય અને નારી શક્તિને ઉજાગર કરવાનો ઉત્સવ છે : સીએમ ભુપેન્દ્ર પટેલ

ગાંઠીલાના ઉમાધામ ખાતે પાટોત્સવ નિમિતે યોજાયેલા પાટીદાર સંમેલનને મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે સંબોધ્યું, વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ જોડાયા , ગૌ આધારિત ખેતીને મહત્વ આપવા મુખ્યમંત્રીએ હિમાયત કરી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ગાંઠીલા આવેલા સમગ્ર પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર ઉમાધામ ખાતે આજે 14માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉમાધામ ખાતે પાટોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે નિર્ધારિત સમયે હાજરી આપવા આવી પહોંચ્યા હતા. આ તકે તેમણે હાજરો પાટીદારોના જન સંમેલનને સંબોધ્યું હતું. મુખ્યમંત્રીએ પાટીદારોને ગુજરાતની પાણીદાર પ્રજા ગણાવીને વિશ્વભરમાં વસતા પાટીદારો ક્યારેક માં ભોમનું ઋણ ચૂકતા ન હોવાનું જાણવી તેના થકી જ આવા ધાર્મિક અને સામાજિક તેમજ સેવાક્ય કાર્યક્રમો થતા હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

ગાંઠીલાના ઉમાધામ ખાતે આજે 14માં પાટોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર સંમેલનમાં હાજરોની સંખ્યામાં સમગ્ર પાટીદાર સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉપસ્થિત તમામ લોકોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ઉમાધામ ખાતે પાટીદાર સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર ખમીરવંતી અને સંઘર્ષશીલ તેમજ મહેનતુ પ્રજા છે. પોતાની મહેનત થકી આ પ્રજાએ અકલ્પનિય વિકાસ કર્યો છે. વિશ્વભરમાં વસતા હોવા છતાં આ ખમીરવંતી પ્રજા પોતાના માદરે વતનનું ઋણ ચૂકવવાનું કયારેય ભૂલતી નથી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ઉમિયાધામમાં આવી ખૂબ જ પ્રભાવિત થયો છું. અલોકીક અનુભૂતિ થઇ રહી છે. ખૂબ જ આનંદની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાયા છે. યુગ યુગથી નારી શક્તિના સામર્થ્ય સાબિત કરતો આ ઉત્સવ છે અને શ્રધ્ધા સેવાને વરેલા પાટીદારોની દુનિયામાં જાણીતા છે. તેઓએ ગાય આધારિત ખેતીને મહત્વ આપવામાં આવે તેવી અપીલ કરી છે. આ ઉપરાંત આજનો ઉત્સવ માત્ર ધર્મોત્સવ નથી બલ્કે આરોગ્ય વર્ધક અને નારી શક્તિને ઉજાગર કરવાનો ઉત્સવ છે. કારણ કે આજે માત્ર ધાર્મિક જ નહીં પણ આરોગ્ય લક્ષી અને મહિલાઓના ઉત્થાન માટે વૈવિધ્યસભર કાર્યક્રમો યોજાયા છે.