આજે રામનવમીનું પાવન પર્વ : ભેગા કરીશ બોર તો એ કામ આવશે, કયારેક તો મારી ઝૂંપડી એ રામ આવશે!

‘રામ’ ને બદલે ‘મરા મરા’ બોલનાર વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયા

આજનો દિવસ એટલે ચૈત્ર મહિનાની નોમ અને વિષ્ણુ ભગવાનના સાતમા અવતાર એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો પ્રાગટ્યદિવસ. શ્રીરામના પ્રાગટ્યદિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી તમામ લોકો રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. ભક્તો ભગવાન શ્રીરામને રામચંદ્ર, દશરથનંદન, કૌશલ્યાનંદન વગેરે નામોથી પણ સંબોધે છે. તેમને વિષ્ણુનાં સાતમાં અવતાર માનવામાં આવે છે. વિષ્ણુનાં અવતારોમાં ભગવાન કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમ અને રામની મર્યાદા પુરુષોત્તમ તરીકે પૂજવામાં આવે છે.

રામનામનો મહિમા

‘રામનામ’ અદ્ભુત સંજીવની છે, અમોધ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. ‘રામ’ ને બદલે ‘મરા મરા’ બોલનાર વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો. ‘રામ’ શબ્દમાં ૨, અ, મ – આ ત્રણ અક્ષરો છે. ‘ર’ એ અગ્નિનું બીજ છે. તે શુભ-અશુભ કર્મને બાળી નાખે છે. ‘અ’ એ સૂર્યનું બીજ છે. તે મોહાંધકારનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે. ‘મ’ એ ચંદ્રનું બીજ છે તે ત્રિવિધ તાપ, આદિ, વ્યાધિ અને ઉપાધિને હરે છે. સર્વ પ્રકારના સંતાપને હરે છે. ‘ર’ કાર બ્રહ્મમય છે. ‘અ’ કાર વિષ્ણુમય છે અને ‘મ’ કાર શિવમય છે. આ રીતે ‘રામનામ’ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું સાક્ષા્ત સ્વરૂપ છે.

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ

હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે શ્રીરામે તેમને પરાસ્ત કરવા માટે જન્મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. રામ અયોધ્યાનાં રાજા દશરથ અને તેમની પટરાણી કૌશલ્યાનાં પુત્ર તરીકે જન્મ્યા હતાં. રાજા દશરથની અન્ય બે રાણીઓ, સુમિત્રા અને કૈકેયીનાં પુત્રો લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન રામનાં ભાઈઓ હતાં. ભગવાન શ્રીરામનાં લગ્ન રાજા જનકની પુત્રી સીતા સાથે થયાં હતાં. તેમને બે પુત્રો હતાં લવ અને કુશ. ભગવાન શ્રીરામે પિતા, માતા, ગુરુ, પત્નિ, નાનાભાઈ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવતા આપણને તેમાં મર્યાદા પુરુષોત્તમના દર્શન થાય છે.

મહાન ઐતિહાસિક ગ્રંથ રામાયણ

રામાયણ એટલે રામ+અયણ = રામની પ્રગતિ કે રામની મુસાફરી. હિંદુ ધર્મનાં બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે. પરંતુ રામાયણ ફક્ત હિંદુ ધર્મ કે આજના ભારત દેશ પુરતો મર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, કંબોડીયા, ફિલિપાઇન્સ, વિયેતનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. રામાયણ એ ભારતીય ઐતિહાસિક કક્ષામાં ગણાતો પુરાતન ગ્રંથ છે. ઋષિ વાલ્મિકી એ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. વાલ્મિકી રામાયણ મૂળ સાત કાંડોમાં વહેંચાયેલું છે. 1. બાલકાંડ, 2. અયોધ્યાકાંડ, 3. અરણ્યકાંડ, 4. કિષ્કિંધાકાંડ, 5. સુંદરકાંડ, 6. યુદ્ધકાંડ-લંકાકાંડ અને 7. લવકુશકાંડ – ઉતરકાંડ.

ભેગા કરીશ બોર તો એ કામ આવશે,
કયારેક તો મારી ઝૂંપડી એ રામ આવશે.
– અજ્ઞાત