જૂનાગઢમાં લાપત્તા અનાથ દિવ્યાંગ બાળકને શોધી કાઢતી પોલીસ, શાળા પરિવારને હાશકારો

બહેરા-મૂંગા બાળકને ગણતરીના કલાકોમાં શોધી પોલીસ પ્રજાનો મિત્ર છે સૂત્રને સાર્થક કરતી એ ડિવિઝન ટીમ

જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં એમ.જી. રોડ ઉપર આવેલ સરકારી બહેરા મૂંગા શાળાનો અનાથ બહેરો મુંગો વિદ્યાર્થી સૂરજ (ઉ.વ. 11) તેના ઉપર રાખવામાં આવેલ એટેન્ડન્ટ પરાગભાઇ દેસાઈની નજર ચૂકવી, પહેરેલ સ્કૂલ ડ્રેસ સાથે સાંજના સમયે નીકળી ગયેલ હતો. જે અંગેની જાણ સરકારી બહેરા મૂંગા શાળાના પ્રિન્સીપાલ કે.વાય.રાવલ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ.વાઢેર, પીએસઆઈ એ.કે.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.

જુનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંઘ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા માટે, અવાર-નવાર જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને લોક ઉપયોગી કાર્યો કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લોકપયોગી કાર્યો કરી, પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વયનો સેતુ જળવાઈ અને પ્રજા પોલીસની નજીક આવે ઉપરાંત, પોલીસ પ્રત્યે પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય, તેવા પ્રયત્નો કરવામાં આવે તેવો ઉદ્દેશ ધરાવે છે.

બોલી સાંભળી નહિ શકતા એવા, બહેરા-મૂંગા બાળકના ગુમ થવાની ઘટનાની ગંભીરતા આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝનના પીઆઇ એમ.એમ.વાઢેર, પીએસઆઈ એ.કે.પરમાર, એ.એસ.આઇ. રવીરાજસિંહ, પો.કો. દિનેશભાઈ, સંજયભાઈ, પ્રવીણભાઈ, કલ્પેશભાઈ, મોહસિનભાઈ, વિક્રમસિંહ, સહિતની પોલીસની ટીમ દ્વારા સીસીટીવી કેમેરા તેમજ તેના આધારે આજુબાજુ માણસોને પૂછપરછ કરતા, ગુમ થયેલ બાળકે સ્કૂલ ડ્રેસ પહેરેલ હોઈ, સ્કૂલ ડ્રેસ પહેરેલ બાળક બીલખા રોડ તરફ ગયેલ હોવાની માહિતી મળતા, તાત્કાલિક બીલખા તરફ તપાસ હાથ ધરી, બીલખા ખાતેથી ગુમ થયેલ બાળક સુરજને શોધી કાઢી અને જૂનાગઢ લાવવામાં આવેલ હતો. જૂનાગઢ પોલીસને મળી આવેલ છોકરાનું તેના શાળા સંચાલકો એવા પરિવાર સાથે મિલન કરાવેલ હતું. ગુમ થયેલ છોકરો મળતા, શાળા સંચાલકોએ હાશકારો અનુભવેલ અને ભાવવિભોર થયા હતા. શાળા સંચાલકો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર માનેલ હતો.

જૂનાગઢ જિલ્લાના પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સુચના અન્વયે જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ખાતેથી ગુમ થયેલ છોકરાને ગણતરીના કલાકોમાં બીલખા ખાતેથી શોધી, સરકારી બહેરા મૂંગા શાળાના સંચાલકોને સોંપી, તેઓની સાથે મિલન કરાવી, સેવા સાથે સુરક્ષાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.