જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં ખુલ્લા કૂવામાં મનપાનો કર્મચારી ખાબક્યો

ઢોર પકડવા ગયેલ કેટલ ટીમનો કર્મી ખુલ્લા કૂવામાં પડી જતા ખુદ મનપાની જ ગંભીર બેદરકારી સામે આવી

જૂનાગઢ : જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં ખુલ્લા કૂવામાં ગઈકાલે રાત્રે મનપાનો કર્મચારી ખાબક્યો હતો. જો કે આ કર્મચારીનો આબાદ બચાવ થયો હતો. પરંતુ તેને ગંભીર ઇજા થઇ હતી. આ ઘટનામાં ખુદ મનપાની જ ઢીલી નીતિ ઉઘાડી થઈ છે. જેમાં ઢોર પકડવા ગયેલ કેટલ ટીમનો કર્મી ખુલ્લા કૂવામાં પડી જતા ખુદ મનપાની જ ગંભીર બેદરકારી સામે આવી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના જોષીપરા આદર્શ નગર વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે મનપાની એક ખાસ ટીમ રખડતા ઢોરને પકડવા ગઈ હતી અને ઢોરને પકડવાની કામગીરી દરમિયાન આ વિસ્તારમાં ખુલ્લો રહેલા અંધિયાર કુવામાં મનપાની ઢોર પકડ ટીમનો એક કર્મચારી ખાબક્યો હતો. આખલા પકડવા ગયેલા કર્મી મુસ્તાક ખોખર સાથે આ દુર્ઘટના બન્યા બાદ તેને મહામહેનતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો. પરંતુ કેટલ વિભાગનો કર્મી મુસ્તાક ખોખર કુવામાં ખાબકતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનામાં ખૂબ જૂનાગઢ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી આખે ઉડીને વળગી હતી. સ્થાનિકોએ એવો બળાપો ઠાલવ્યો હતો કે, આદર્શ નગર વિસ્તારમાં આવેલ ખુલ્લા સરકારી કુવાને બંધ કરવા મનપામાં સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરાઈ હતી. પણ રજૂઆતને ધ્યાને નહિ લેતા આજે મનપાના જ કર્મી સાથે આ દુર્ઘટના બની હતી. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મનપાના કર્મી હાલ સારવાર હેઠળ છે.