જૂનાગઢ મહાનગર પાલીકના નિર્મિત કોમ્યુનિટી હોલની દુર્દશા ; બારી, નળ ચોરાયા

અસામાજિક તત્વો પાંચ કરોડના ખર્ચે બનેલા હોલમાંથી વસ્તુઓ ચોરી જતા પોલીસ ફરિયાદ માટે તજવીજ

જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં ગેંડા રોડ ઉપર ટેલિફોન એક્સચેન્જ નજીક મહાનગર પાલિકા દ્વારા જનસુવિધા માટે રૂપિયા પાંચ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ નવા નકોર કોમ્યુનિટી હોલના ઉદઘાટન બાદ ઉપયોગ શરૂ થાય તે પૂર્વે જ અસામાજિક તત્વો હોલના એલ્યુમિનિયમ સેક્સનના બારી, દરવાજા નળ સહિતની વસ્તુઓ ચોરી કરીને લઈ જતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ગેંડા રોડ ઉપર ટેલિફોન એક્સચેન્જ નજીક રૂપિયા પાંચ કરોડના ખર્ચે ડો.બાબાસાહેબ આંબેડકર હોલનું નિર્માણ કરાયુ છે. હજુ આ હોલનું ઉદઘાટન કરાયા બાદ હજુ ઉપયોગ પણ શરૂ કરાયો નથી તેવામાં ગઈકાલે મહાનગર પાલિકાના શાસકોએ આ હોલની મુલાકાત લેતા નવા નકોર હોલમાંથી અસામાજિક તત્વો એલ્યુમિનિયમ સેક્સનના બારી, દરવાજા, બાથરૂમના નળ સહિતની વસ્તુઓ ચોરી કરી ગયાનું ધ્યાને આવતા શાસકો સમસમી ઉઠ્યા હતા.

વધુમાં હોલમાંથી બારી, એલ્યુમિનીયમ સેકસન, નળ સહિતની વસ્તુઓની ચોરી થઈ જવા પ્રકરણમાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા તાત્કાલિક કમિશનર અને કાર્યપાલક ઇજનેરને જાણ કરી ઘટનાસ્થળે બોલાવ્યા હતા. ઉદઘાટન થયા બાદ હજુ ઉપયોગ શરૂ નથી થયો ત્યાં જ પાંચ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડો.બાબાસાહેબ આંબેડકર હોલની દુર્દશા જોવા મળતા આ મામલે અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા શાસકોએ સત્તાધીશોને આદેશ આપ્યો હતો.